- IPL નજીક હોવાના કારણે પ્લેયર્સ વર્કલોડ મેનેજમેન્ટનું ધ્યાન રખાશે
- ભારત-ઇંગ્લેન્ડ ચંડીગઢમાં એકત્ર થઈ ત્રીજીએ ધર્મશાલા રવાના થશે
- પાંચમી અને અંતિમ ટેસ્ટ માટેની ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર થઈ શકે છે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વર્તમાન ટેસ્ટ શ્રેણી અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે અને બંને ટીમ વચ્ચે ધર્મશાલા ખાતે રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ માટેની ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. રાંચી ખાતેની ચોથી ટેસ્ટમાં વર્કલોડ મેનેજમેન્ટના આધારે બુમરાહને આરામ અપાયો હતો અને તે હવે અંતિમ ટેસ્ટમાં રમી શકે છે. બુમરાહ રમશે તો ઇંગ્લેન્ડની સમસ્યામાં વધારો થશે. બીજી તરફ પેસ બોલર મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવી શકે છે. બુમરાહ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ત્રણેય ટેસ્ટમાં રમ્યો હતો અને તેણે તમામમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરીને વિકેટો પણ ઝડપી છે. ભારતે પ્રથમ ત્રણમાંથી બે ટેસ્ટ જીત્યા બાદ બુમરાહને આરામ અપાયો હતો. ચોથી ટેસ્ટમાં બુમરાહના સ્થાને આકાશ દીપને તક આપવામાં આવી હતી.
બુમહારનું પુનરાગમન થશે તો સિરાજને આરામ આપવામાં આવે તેવા સંકેત મળ્યા છે. સિરાજ પણ ચારમાંથી ત્રણ ટેસ્ટ રમી ચૂક્યો છે. તેને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રમાડવામાં આવ્યો નહોતો. આઇપીએલ પણ નજીક આવી રહી હોવાના કારણે સિરાજને છેલ્લી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે. આકાશ દીપે ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને તેને બીજા દાવમાં બોલિંગ કરવાની તક મળી નહોતી. પાંચમી ટેસ્ટ સાતમી માર્ચથી રમાવાની હોવાથી ભારતીય ખેલાડીઓ પોતપોતાના ઘરે પરત ફર્યા છે અને તમામને બીજીએ ચંડીગઢમાં ભેગા થવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંને ટીમો ત્રીજીએ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ધર્મશાલા રવાના થશે.


