- આગામી સાતથી આઠ વર્ષ રમવાની ઇચ્છા હોવાથી જવાબદારીમાંથી મુક્ત થઈશ : કમિન્સ
- તે હવે લાંબો સમય ટેસ્ટ કેપ્ટનશિપની જવાબદારી અદા કરી શકે તેમ નથી
- ટૂંક સમયમાં ટેસ્ટ ટીમની કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે
ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે અને પ્રથમ મુકાબલાની પૂર્વસંધ્યાએ પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમના સુકાની પેટ કમિન્સે ચોંકાવનારો ઘટસ્ફોટ કરીને જણાવ્યું હતું કે તે હવે લાંબો સમય ટેસ્ટ કેપ્ટનશિપની જવાબદારી અદા કરી શકે તેમ નથી. તે ટૂંક સમયમાં ટેસ્ટ ટીમની કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે. પ્રામાણિકપણે કહું તો હું 35થી 37 વર્ષની વય સુધી ક્રિકેટ રમવા માગું છું પરંતુ આ સમય સુધી હું ટીમની કેપ્ટનશિપ કરીશ કે નહીં તે અંગે કશું કહી શકતો નથી. જો હું આગામી સાતથી આઠ વર્ષ રમવામાં સફળ રહીશ તો ટેસ્ટ ક્રિકેટમાં કદાચ નેતૃત્વ કરવાનું જારી રાખી શકું છું અને આ મારા માટે સૌથી વધારે ચકિત કરે તેવી બાબત પણ રહેશે. નોંધનીય છે કે કમિન્સે ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશિપ સંભાળી છે ત્યારથી તેણે ઘરઆંગણે તથા ઇંગ્લેન્ડ બંને જગ્યાએ એશિઝ ટ્રોફી જાળવી રાખવામાં સફળતા મેળવી છે. તેની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝનનું ટાઇટલ ઉપરાંત ભારતની યજમાનીમાં ગયા વર્ષે રમાયેલા વન-ડે વર્લ્ડ કપને જીતવામાં સફળતા મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટી20 ફોર્મેટમાં મિચેલ માર્શને આગામી વર્લ્ડ કપ પહેલાં ટીમનું નેતૃત્વ સોંપ્યું છે અને આ અંગે કમિન્સે જણાવ્યું હતું કે મને માર્શ તથા મેથ્યૂ વેડ બંનેની કેપ્ટનશિપ હેઠળ રમવામાં આનંદ થયો હતો. મેદાનમાં મેં માત્ર બોલિંગ ઉપર ધ્યાન આપ્યું હતું અને આ એવી ફોર્મેટ છે જેમાં હું વધારે રમ્યો નથી. વેડ અને માર્શ બંને શાનદાર સુકાની છે અને તેમને જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું તેમની મદદ કરવા માટે તૈયાર રહીશ.


