- લ્યૂટન ટાઉન તરફથી જોર્ડન ક્લાર્કે 45 અને 52મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા
- વિજય હાંસલ કરીને એફએ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો
- હાલેન્ડ એફએ કપની મેચમાં પાંચ ગોલ નોંધાવનાર પ્રથમ ફૂટબોલર બન્યો છે
સ્ટાર સ્ટ્રાઇકર એર્લીંગ હાલેન્ડે નોંધાવેલા પાંચ ગોલની મદદથી માન્ચેસ્ટર સિટીએ લ્યૂટન ટાઉન સામે એકતરફી અંદાજમાં 6-2થી વિજય હાંસલ કરીને એફએ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 1970માં જ્યોર્જ બેસ્ટ બાદ હાલેન્ડ કોઇ ટોચની ક્લબ માટે એફએ કપની મેચમાં પાંચ ગોલ નોંધાવનાર પ્રથમ ફૂટબોલર બન્યો છે. તેણે પોતાના પ્રથમ ચાર ગોલ કેવિન ડી બ્રૂનેની મદદથી કર્યા હતા. હાલેન્ડે મેચની પ્રથમ 40 મિનિટમાં જ પોતાના ગોલની હેટ્રિક પૂરી કરી હતી. વર્તમાન સિઝનમાં હાલેન્ડે 27 ગોલ નોંધાવીને પોતાના ટીકાકારોને ચૂપ કરી દીધા છે. તમામ લીગની 15 મેચોમાં માન્ચેસ્ટર સિટીએ 14 વિજય હાંસલ કરીને પોતાની વિજયીકૂચ જાળવી રાખી હતી. માતિયો કોવાકિચે મેચની 72મી મિનિટે સિટી માટે ગોલ નોંધાવ્યો હતો. લ્યૂટન ટાઉન તરફથી જોર્ડન ક્લાર્કે 45 અને 52મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા.


