ભુતવડની ઔદ્યોગિક વસાહતમાં બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ ઝડપાયું
એએસપીની બાતમીના આધારે ધોરાજી તાલુકા પોલીસનો દરોડો: વાહન અને ટાંકામાંથી કુલ ૫૧૦૦ લીટર જ્વલનશીલ પ્રવાહી સાથે ૬.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર ભુતવડ ગામના પાટિયા નજીક આવેલી ઔદ્યોગિક વસાહતમાં બાયોડીઝલના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. ધોરાજીના એએસપી સિમરન ભારદ્રાજને મળેલી બાતમીના આધારે ધોરાજી તાલુકા પોલીસની ટીમે દરોડો પાડતાં સ્થળ પરથી વાહનમાં ભરેલું ૯૦૦ લીટર તથા બે ટાંકામાં સંગ્રહાયેલું ૪૨૦૦ લીટર જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. પોલીસે કુલ રૂ.૬,૩૧,૦૮૦નો મુદ્દામાલ કબજે કરી બે શખસોને ઝડપી લીધા છે, જ્યારે બાયોડીઝલનો જથ્થો સપ્લાય કરનાર બે શખસોને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ રેન્જ આઈજી તથા રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન એએસપી સિમરન ભારદ્રાજને ભુતવડ નજીક બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે એએસપીની ટીમ તેમજ ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઈ ડો. એમ.એમ. ઠાકોર અને સ્ટાફે સંયુક્ત રીતે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસે તપાસ કરતાં અશોક લેલન દોસ્ત નંબર જીજે-૧૬-ડબલ્યુ-૯૨૦૬માંથી રૂ.૭૨ હજારની કિંમતનું ૯૦૦ લીટર બાયોડીઝલ મળી આવ્યું હતું. આ ઉપરાંત સ્થળ પર રાખવામાં આવેલા બે ટાંકામાંથી રૂ.૩.૩૬ લાખની કિંમતનું ૪૨૦૦ લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. વાહન અને જથ્થા સહિત કુલ રૂ.૬.૩૧ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે ભુતવડ ગામના નવાપરા વિસ્તારમાં રહેતા સાહિલ હનીફભાઈ શેખ (ઉ.વ.૨૫) અને રોહિત પરબતભાઈ બારૈયા (ઉ.વ.૩૦)ને ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ આ જથ્થો વેચાણ માટે ધોરાજીના હિતેશ રમેશચંદ્ર કોયાણી અને કલ્પેશ બચુભાઈ બાબરીયા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આથી પોલીસે ચારેય શખસો સામે આવશ્યક ચીજવસ્તુ ધારા તેમજ એક્સપ્લોઝિવ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને બાયોડીઝલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તેમજ આ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.


