- તમામ પરિક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ
- સુચારૂ સંચાલન માટે અધિકારીઓની નિમણુંક કરાઇ
- વિદ્યાર્થીઓ પરિક્ષાને ઉત્સવ માની તણાવમુક્ત બનીને પરિક્ષા આપે : કલેક્ટર
ગાંધીનગરમાં બોર્ડની પરીક્ષાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. પરીક્ષાના સુચારૂ સંચાલન માટે આજરોજ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતીની બેઠક મળી હતી. જિલ્લાના 38382 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ માટે 53 કેન્દ્રો ઉભા કરાયા છે. તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ વહીવટી તંત્રને ટીમવર્ક અને સામુહિક પ્રયાસોથી પરીક્ષા કાર્યને પરિણામલક્ષી બનાવવા અનુરોધ કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ માનીને તણાવમુક્ત બની પરીક્ષા આપવા જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છેકે, આગામી 11 માર્ચથી ધોરણ -10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે.
આ સમીક્ષા બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન સધન ચેકિંગની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા , ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા પરીક્ષાર્થીઓને સમયસર એસટીની બસની સુવિધા ઉપલબ્ધ થાય , પરીક્ષા કેન્દ્રોમાં ગેરરિતી અટકાવવાના આવશ્યક પગલા, દરેક પરીક્ષા કેન્દ્ર પર પીવાના પાણીથી લઇને આરોગ્ય વિષયક સેવા ઉપલબ્ધ થાય તેની તકેદારી રાખવા ચર્ચા કરવામાં આવી હતી.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિએ જણાવ્યુ હતુકે, જિલ્લામાં ચાર ઝોનમાં 53 સીસીટીવીથી સજ્જ કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે. જેમાં ધોરણ-10ના 25057 તથા ધોરણ-12ના 13325 વિદ્યાર્થીઓ મળી કુલ 38382 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારૂ સંચાલન માટે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. પરીક્ષા અગાઉ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે.
વિદ્યાર્થીની મદદે પોલીસ આવશે : મોબાઇલ, સ્માર્ટ વોચ પર પ્રતિબંધ
પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થી ક્યાંય અટવાય તો તેની મદદે પોલીસ આવશે. પરીક્ષા દરમિયાન આ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે વિદ્યાર્થીને 100 નંબર ડાયલ કરવા જણાવાયુ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ, કેલક્યુલેટર, સ્માર્ટવોચ જેવી ડિવાઇસ પરીક્ષા કેન્દ્રમાં લઇ નહી જવા માટે અનુરોધ કરાયો છે.


