- પાંચ લાખ જેટલી જંગી લીડથી વિજય મેળવે તેવા ઉમેદવાર
- આણંદ ભાજપના ઉમેદવાર તરીકે પ્રાયોરિટી અપાવવાની શક્યતા
- જ્ઞાતિવાદનું સમીકરણ મહત્વનો ભાગ ભજવી શકે છે
આણંદ લોકસભાની બેઠક માટે ભાજપમાંથી સેન્સ લેવાની ફોર્માલિટી પૂર્ણ કરાયા બાદ હવે ઉત્સુક ઉમેદવારોએ દિલ્હીથી લઈને ગાંધીનગર સુધીની કવાયત તેજ કરી દીધી છે. પરંતુ બે વાત સ્પષ્ટ છે, જેમાં જે ઉમેદવાર પાંચ લાખ જેવી જંગી લીડથી વિજય મેળવી શકે અને ભાજપમાં આયાતી કાર્યકરોની ફોજમાં વધારો કરી શકે. આ ગુણો ધરાવતા ઉમેદવારને પ્રાયોરિટી અપાય તેવી શક્યતા છે. આ ઉપરાંત જ્ઞાતિવાદનું સમીકરણ મહત્વનો ભાગ ભજવી શકે છે.
ભાજપ હાઈકમાન્ડ સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે. એટલે છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢે તો નવાઈ નહીં. પરંતુ રખેને પાટીદાર ઉમેદવારની બાદબાકી કરવામાં આવે તો પછી ક્ષત્રિય ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવે તેવી શક્યતા સેવાય છે. નિરીક્ષકોની ટીમ દ્ધારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કર્યાના બે દિવસ પછી પણ ચરોતર ભાજપના કોઈ આગેવાન કોને ટિકિટ મળશે ? અને કોણ કપાશે ? તે અંગે કશું જ કહેવાની સ્થિતિમાં નથી. ઉલ્ટાના અંદરખાને એવું પણ ચર્ચાય છે કે સેન્સ લેવાની પ્રક્રિયા તો એક ફોર્માલિટી છે. બાકી ભાજપ હાઈકમાન્ડ ધારે તેને જ ટિકિટ મળશે! અને તે ઉમેદવારને અહીંના કાર્યકરોએ વિજયી પણ બનાવવો પડશે. અત્યારે તો સૌની નજર હાઈકમાન્ડના નિર્ણય પર છે. પ્ જિલ્લાના કેટલાક ટોચના નેતાઓને અંદરખાને હાઈકમાન્ડે સંપર્ક કરી ઉમેદવાર અંગે પૃચ્છા કરી હોવાનું ચર્ચાય છે. જોકે, આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રેશર ટેકનિકની ફોર્મ્યુલાથી પસંદગી પામવાનો ઈલાજ પણ શરૂ કરાયો છે.
ભાજપના ઉમેદવારને વિજય માટે ખાસ મહેનત કરવી નથી પડતી પણ લાયકાત જરૂરી
આણંદ લોકસભા બેઠક માટે ભાજપ હાઈકમાન્ડ ઉમેદવારની ખોજમાં છે, તો કેટલાક વર્તુળોમાં એવું પણ ચર્ચાય છે કે ભાજપમાં ઉમેદવાર તો માત્ર રબર સ્ટેમ્પ જેવો જ હોય છે ! ખેતરમાં ઊભેલા ચાડીયાને પણ ભાજપની ટિકિટ આપવામાં આવે તો તે જિતી જાય એમ છે. ભાજપ હાઈકમાન્ડ પણ આ લોજિક જાણે જ છે કે ઉમેદવારને ખાસ મહેનત કરવાની નથી ! બધી મહેનત નેતાગીરીએ જ કરવાની છે.
આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર નક્કી થયા બાદ કોંગ્રેસ જાતિના આધારે ઉમેદવાર નક્કી કરે તેવી સંભાવના
આણંદ બેઠક પર કોંગ્રેસને ઉમેદવાર શોધવામાં ખાસ કંઈ મહેનત કરવી પડે એમ નથી. મોટાભાગે તે ક્ષત્રિય ઉમેદવાર પર પસંદગી ઉતારે છે. જોકે, આ વખતે ભાજપ કોને પસંદ કરે છે તે જોઈને કોંગ્રેસ પોતાનું પત્તુ ફેંકવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લાના કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ વખતે ઉમેદવારની પસંદગીમાં ઉતાવળે નિર્ણય ન કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડને સૂચવ્યું છે.


