- ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર માટે GDPના આંકડા જાહેર
- મેન્યુફેક્ચરિંગ અને સરકારી ખર્ચમાં તેજીને કારણે GDPની ગતિમાં તેજી
- 8.4 ટકાનો આ દર 2022 ના બીજા ક્વાર્ટર બાદનો સૌથી મજબૂત ગ્રોથ
સરકારે ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર માટે GDPના આંકડા જાહેર કર્યા છે. જે દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા તોફાની તેજી સાથે આગળ વધી રહી છે. વાસ્તવમાં, સરકારે કહ્યું છે કે ત્રીજા ક્વાર્ટરમાં દેશનો GDP ગ્રોથ 8.4%ના દરે રહ્યો છે. અર્થવ્યવસ્થાના આ આંકડા અનુમાન કરતા ઘણા વધારે સારા છે. દેશમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ અને સરકારી ખર્ચમાં તેજીને કારણે GDPની ગતિ વધુ તેજ થઈ છે. પાછલા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7.6 ટકા રહ્યો હતો.
અનુમાન કરતાં વધુ સારા GDPના આંકડા
ઉલ્લેખનીય છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહ્યું છે અને સતત તેના વખાણ વર્લ્ડ બેન્કથી માંડીને IMF સુધીની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કરી રહી છે. હવે, ત્રીજા ક્વાર્ટરના જે શાનદાર આંકડા સામે આવ્યા છે તે પણ ઈકોનોમીની તૂફાની તેજીની સાક્ષી પૂરે છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પલિમેન્ટેશન દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ઝડપથી વધ્યું હતું. વાર્ષિક ધોરણે 8.4 ટકાનો આ દર 2022 ના બીજા ક્વાર્ટર બાદનો સૌથી મજબૂત ગ્રોથ છે, જે 6.6 ટકાના અનુમાન કરતાં ઘણો વધારે છે.
ભારતીય અર્થવ્યવસ્થાની આ તૂફાની તેજીને ધ્યાનમાં રાખીને, NSOએ તેના બીજા અનુમાનમાં નાણાકીય વર્ષ 2023-24 માટે દેશનો વિકાસ દર 7.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ, જાન્યુઆરી 2024 માં જાહેર કરવામાં આવેલી તેની પ્રથમ આગોતરા પૂર્વાનુમાનમાં, ચાલુ નાણાકીય વર્ષ માટે GDP ગ્રોથ દર 7.3 ટકા રહેવાનો અંદાજ હતો.
SBI અને રેટિંગ એજન્સીઓને હતી આવી અપેક્ષા
નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટર માટે SBIના આર્થિક સંશોધન વિભાગે GDP ગ્રોથનો અંદાજ આપતા પોતાનું વિશ્લેષણ જાહેર કર્યું હતું. સંસ્થાએ GDP ગ્રોથનો દર 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. રિઝર્વ બેંકે પણ નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જ્યારે, રેટિંગ એજન્સી ICRAએ ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં GDP ગ્રોથ માત્ર 6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ, જે આંકડાઓ સામે આવ્યા છે તે આ તમામ પૂર્વાનુમાનોને પાછળ છોડી દે છે.
સરકાર દ્વારા GDP ગ્રોથના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેણે વિસ્તૃત રીતે જોતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 11.6 ટકાના દરે વૃદ્ધિ જોવા મળી છે. તો, એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રોથરેટ 3.8 ટકા રહ્યો. ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી પ્રમુખ અર્થવ્યવસ્થાનો ટેગ જાળવી રાખ્યો છે. આ તમામ કારણોને લીધે નાણાકીય વર્ષ 2023-2024 માટે વિકાસ દરનો અંદાજ 7.3 ટકાથી વધારીને 7.6 ટકા કરવામાં આવ્યો છે.


