- DDA દ્વારા ડિમોલિશનની કામગીરી કરાઇ
- રેટમાઇનર્સના ઘર પર બુલ્ડોઝર ફરી વળ્યુ
- સિલ્ક્યારા ટનલમાં આ રેટમાઇનર્સે બચાવ્યા હતા 41 શ્રમિકોના જીવ
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) દ્વારા ડિમોલિશન અભિયાન દરમિયાન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવનારા રેટહોલ માઇનર્સના ઘર પર પણ બુલ્ડોઝર ફેરવી દીધુ છે. તેઓને આરોપ છે કે કોઇ પણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વિના જ અમારુ ઘર તોડી પાડ્યુ.
કોઇ નોટિસ આપ્યા વિના ઘર તોડી દીધુ- વકીલ હસન
મહત્વનું છે કે બુધવારે DDA દ્વારા ખજુરી ખાસમાં ઘણા મકાનો તોડી પાડ્યા હતા જેમાં રેટમાઇનર્સ વકીલ હસનને પણ બેઘર થયા હતા. સત્તાવાળાઓ પર કોઈપણ સૂચના વિના તેનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ મારુ ઘર એકમાત્ર એવી વસ્તુ હતી જેને મે ઉત્તરાખંડ બચાવ કામગીરી અભિયાનમાં ઇનામરૂપે માંગી હતી. પરંતુ ડીડીએએ કોઇ પણ નોટિસ અને સૂચના વિના મારુ ઘર તોડી પાડ્યું.
પોલીસની નિર્દયતા જોવા મળી- મુન્ના કુરેશી
વકીલ હસને કહ્યું કે સરકારે તેમને ખાતરી આપી હતી કે તેમના ઘરને સ્પર્શ કરવામાં આવશે નહીં, પરંતુ તેમ છતાં તેને તોડી પાડવામાં આવ્યું હતું. તેમની સાથે બચાવ કામગીરીના અન્ય સભ્ય મુન્ના કુરેશી હતા. તેમણે કહ્યું કે ઘટના દરમિયાન પોલીસ દ્વારા નિર્દયતા કરવામાં આવી હતી. તેમણે પોલીસ પર હસનના સગીર બાળકોને પોલીસ સ્ટેશન લાવીને માર મારવાનો પણ આરોપ લગાવ્યો હતો.
હવે અમે ક્યાં રહીશું- વકીલ હસનના પત્ની
પ્રિયંકાગાંધીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં વકીલ હસનની પત્ની ભાવુક થઇને કહી રહી છે કે મારા પતિ ઉત્તરકાશીના હીરો હતા, તેમણે 41 મજૂરોના જીવ બચાવ્યા હતા. બધા તેમને માન આપતા હતા, આજે એ સન્માનના બદલામાં તેઓએ મારું ઘર લઇ લીધું. મોદીજી હાથ જોડીને કહે છે – સબકા સાથ, સબકા વિકાસ, ક્યાં છે આપણો વિકાસ? આ લોકોએ આવીને બાળકોને માર માર્યો, તેમને બહાર ફેંકી દીધા અને ઘર તોડ્યું. વકીલ હસન, મુન્ના કુરેશી અને મારો પુત્ર અંદરથી બંધ હતા. હસનની પત્નીએ વધુમાં કહ્યું કે બધાને લઈ જઈને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દેવામાં આવ્યા. અમારા બાળકોનું રિઝલ્ટ પણ લેવા દીધુ નહિ. બધુ જ આ ઘરમાં તૂટી ગયુ . હવે અમે ક્યાં જઇશું ?


