- શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે
- 60 હજાર જેટલા શિક્ષકોના એસેસમેન્ટ ઓર્ડર પણ ઓનલાઈન મુકાયા
- મૂલ્યાંકન માટે 60 હજાર જેટલા શિક્ષકોના એસેસમેન્ટ ઓર્ડર પણ ઓનલાઈન જ મુકી દેવામાં આવ્યાં છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.11મી માર્ચથી શરૂ થનારી ધોરણ.10 અને ધોરણ.12ના કુલ 10.49 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. હોલ ટિકિટની સાથે સાથે બોર્ડ દ્વારા મૂલ્યાંકન માટે 60 હજાર જેટલા શિક્ષકોના એસેસમેન્ટ ઓર્ડર પણ ઓનલાઈન જ મુકી દેવામાં આવ્યાં છે. જેથી મુલ્યાંકન પ્રક્રિયામાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી રહે અને ઝડપથી મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ શકે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સની પરીક્ષાની હોલ ટિકીટ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. જેથી શાળાઓએ વેબસાઈટ પરથી શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઇલ નંબર અથવા
ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી હોલ ટિકીટ ડાઉનલોડ કરવાની રહેશે. હોલટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ-2024ની પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો તથા માધ્યમની ખરાઈ કરીને હોલટિકિટમાં પરીક્ષાર્થીનો ફેટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. હોલ ટિકીટની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની સૂચના હોલટિકિટના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફ્રજિયાત આપવાની રહેશે. આ ઉપરાંત માર્ચ-2024ની પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકોના નિમણૂકપત્ર પણ હોલટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવ્યા છે, જે શાળા દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે. શિક્ષકોના એસેસેમેન્ટ ઓર્ડર પર જરૂરી વિગતો ભરી નિમણૂકપત્ર તથા સૂચનાઓ સુપ્રત કરવાની રહેશે. એસેસમેન્ટ ઓર્ડરની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકોને નિમણૂકપત્ર મળ્યા બદલની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે અને નિમણૂકપત્રની નકલ પણ શાળા કક્ષાએ સાચવી રાખવાની સુચના અપાઈ છે.


