- આગ એટલી વિકરાળ હતી કે 42 લોકો બેભાન થઈ ગયા હતા
- આગથી બચવા કેટલાક લોકો બારીમાંથી નીચે છલાંગ લગાવી હતી
- ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ કાબૂ કરવાના પ્રયાસો યથાવત્
પાડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 45 લોકોનાં મોત થયા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાત માળની ઈમારતના પહેલા માળે આવેલી રૅસ્ટોરન્ટમાં ગુરુવારે રાત્રે 9.50 કલાકે આગ લાગી હતી. થોડી જ વારમાં આગ બિલ્ડિંગના ઉપરના માળ તરફ પણ ફેલાઈ ગઈ હતી.
એક અધિકારીએ જણાવ્યું કે આગને કારણે 75 લોકો બિલ્ડિંગમાં ફસાયા હતા, જેમાંથી 42 બેભાન થઈ ગયા હતા. આ લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ કાબૂ કરવાની જહેમત હાથ ધરી હતી.
આરોગ્ય પ્રધાન ડૉ સામંત લાલ સેને જણાવ્યું હતું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકોનાં મોત થયા હતા જ્યારે નજીકની શેખ હસીના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોનાં મોત થયા હતા. તેમણે જણાવ્યું કે બંને હોસ્પિટલમાં 22 લોકોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જો કે, જેઓ બચી ગયા તેમની શ્વસનતંત્રને ખરાબ રીતે નુકસાન થયું હતું.
તે જ સમયે, ડૉક્ટરોનું કહેવું છે કે ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે. પ્રશાસનનું કહેવું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પીડિતોએ તેમની અગ્નિપરીક્ષા સંભળાવી
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બિલ્ડિંગના પહેલા માળે આગ લાગવાને કારણે લોકો ડરી ગયા અને ઉપરના માળ તરફ ભાગ્યા. બાદમાં, ફાયર વિભાગના કર્મચારીઓએ ઇમારતના ઉપરના માળેથી ઘણા લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો.
એક પીડિતાએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ હું જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદી ગયો હતો. કેટલાક લોકોનું કહેવું છે કે તેઓએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગના કાચ તોડીને નીચે કૂદી પડવું પડ્યું હતું.
અન્ય બચી ગયેલા અલ્તાફે જણાવ્યું કે જ્યારે રેસ્ટોરન્ટમાં આગ લાગી ત્યારે અમે દરવાજા અને બારીઓ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. અમારા કેશિયર અને અન્ય વ્યક્તિએ લોકોને મદદ કરી. પરંતુ કમનસીબે બંનેના મોત થયા હતા. મેં રેસ્ટોરન્ટના રસોડામાં જઈને બારીના કાચ તોડી મારી જાતને બચાવવાનો પ્રયાસ કર્યો.
સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે જે ઈમારતમાં આગ લાગી તે ખૂબ જ જોખમી હતી. બિલ્ડિંગના દરેક ફ્લોર પર, સીડીઓ પર પણ ગેસ સિલિન્ડર હતા.


