- કમોસમી વરસાદથી રસ્તાઓ પર પાણી-પાણી
- યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદથી મુશ્કેલી વધી
- વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતામાં પણ થયો વધારો
હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં કચ્છથી લઈ યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. આજે વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
આજે સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જે સાથે જ દ્વારકા અને કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી સવારથી દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તેમજ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. તેમજ પવન સાથે વરસાદ વરસતાં જનજીવન પણ પ્રભાવિત થયું છે.
આ તરફ કચ્છના મુંદ્રા, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથોસાથ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
કમોસમી વરસાદથી દ્વારકાના રસ્તાઓ પર પાણી-પાણી જોવા મળી રહ્યું છે. તેમજ કચ્છમાં વરસાદના કારણે રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે. આ સાથે જ ચોમાસાની ઋતુ હોય તેમ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે
આ તરફ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતના 22 જિલ્લામાં માવઠાની આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે આગાહી છે. આજે કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે. ગાજવીજ, તેજ પવન સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે.


