- નદી કિનારાના પટ્ટે દિવેલિયાની આડમાં ગાંજાની ખેતીનો વેપલો ?
- મગરના ભયથી જૂજ લોકોની અવર-જવર, એકાંતનું સ્થળ ગોરખધંધા માટે મોખરે
- કાલઘોડા બ્રિજ નીચે ઉગેલો બેથી ત્રણ ફૂટની ઊંચાઈનો છોડ દેખાયો
વડોદરા શહેરની મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો કિનારો અસામાજિક તત્ત્વોનો અડ્ડો બન્યો છે. નદી કિનારાની અવાવરું જગ્યાએ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે અસામાજિક તત્ત્વોને મોકળું મેદાન મળ્યું છે. સયાજીગંજ વિસ્તારના કાલાઘોડા બ્રિજ નીચે નદી કિનારાના ભાગે ગાંજાનો છોડ જોવા મળ્યો છે. બેથી ત્રણ ફૂટના આ છોડના વાવેતર પાછળ કોનો હાથ છે? તે પોલીસ તપાસનો વિષય છે.
પાવાગઢથી નીકળતી વિશ્વામિત્રી નદી શહેરની મધ્યેથી પસાર થતી આગળ ખંભાતના અખાતને મળે છે. વિશ્વામિત્રી નદી કિનારાનો મોટા ભાગનો વિસ્તારમાં અવાવરું જગ્યાઓ છે. નદીમાં મગરનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોની અવર-જવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાહદારીઓની અવર-જવરથી દૂર એવા એકાંતના સ્થળોને અસામાજિક તત્ત્વો અડ્ડો બનાવ્યો છે. અસામાજિક તત્ત્વો દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સયાજીગંજ વિસ્તારના કાલાઘોડા બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીના કિનારાની અવાવરું જગ્યાએ ગાંજાના છોડનું બિન્દાસ્ત વાવેતર કરવામાં આવે છે.
સંદેશને મળતી માહિતી મુજબ હજુ પણ તે સ્થળે ગાંજાના છોડ છે. જેથી તે સ્થળે તપાસ કરવામાં આવતા ગાંજાનો છોડ જોવા મળ્યો હતો. આ છોડની ઊંચાઈ અંદાજે બેથી ત્રણ ફૂટની છે. આ છોડ બેથી ત્રણ મહિના જૂનો છે. વિશ્વામિત્રી નદીના કિનારે દિવેલિયાની પણ ખેતી કરી કેટલાક લોકો રોકડી કરી લેતા હોય છે. દિવેલિયાની આડમાં ગાંજાના છોડનું પણ વાવેતર કરવામાં આવે છે. સીધા તાપથી ગાંજાના છોડને નુકસાન થતું હોવાથી દિવેલિયા કે બ્રિજ નીચે ઓછા તાપમાં ગાંજાના છોડનો ઉછેર કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, આ દિશામાં ઊંડાણથી તપાસ થાય તો વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.
અસામાજિક તત્ત્વો દ્વારા દ્વારા નદી કિનારાના ભાગે છોડ
ઉઘાડવા માટે ગાંજાના બિયાનો છંટકાવ કરવામાં આવતો હોવાની શંકા છે. આ પ્રકારના ગોરખધંધા પાછળ મોટું નેટવર્ક ચાલે છે. ડ્રગ્સના વેપલામાં સક્રિય ચોક્કસ ગેંગ પોલીસની આંખમાં ધૂળ નાંખી શહેરમાં ગાંજાનું બેરોકટોક વેચાણ કરે છે ? આ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે અગાઉ ગાંજાનો જથ્થો પકડી NDPSના કેસો પણ કરવામાં આવ્યા છે.
ગાંજા છોડના પાંદડા લાંબા અને પાતળા હોય છે
સામાન્ય સંજોગોમાં ગાંજાના છોડ વિવિધ આકાર, કદ અને રંગમાં જોવા મળે છે. આ છોડના પાદડા લાંબા અને પાતળા હોય છે. આ છોડનો સાતથી આઠ મહિનામાં વિકાસ થાય છે. આ ઉપરાંત ગાંજાના છોડના પાદડામાંથી અલગ પ્રકારની ગંધ પણ આવતી હોવાનું જાણકારોનું કહેવું છે.
ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાંથી ગાંજાના છોડ પકડાયા હતા
ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં અમદાવાદ સ્થિત ગુજરાત યુનિ.ની હોસ્ટેલના કૅમ્પસમાંથી ગાંજાના છોડ પકડાયા હતાં. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાયી કરવામાં આવી હતી. આ ઘટના બાદ શેહરની એમ.એસ.યુનિ.ના કૅમ્પસમાં પણ સિક્યૉટિરી દ્વારા તપાસ કરવામાં આવી હતી.


