- વિમેન્સ શોટપૂટમાં સારા મિટન અને હાઇજમ્પમાં નિકોલાએ ગોલ્ડ મેળવ્યો
- 27 વર્ષીય કોલમેન છ વર્ષથી 6.34 સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે
- 22 વર્ષીય જમૈકન સ્પ્રિન્ટર એકીમ બ્લેક 6.46 સેકન્ડના સમય સાથે ત્રીજા ક્રમે
અમેરિકન સ્પ્રિન્ટર ક્રીચ્શિયન કોલમેને વર્લ્ડ એથ્લેટિક્સ ઇનડોર ચેમ્પિયનશિપની મેન્સ 60 મીટર રેસનું ટાઇટલ જીતવા માટે 6.41 સેકન્ડનો ફાસ્ટેસ્ટ ટાઇમ હાંસલ કર્યો હતો. 27 વર્ષીય કોલમેન છ વર્ષથી 6.34 સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. તેના સાથી રનર નોઆ લાયલ્સે ગ્લાસગોમાં તમામનું ધ્યાન આકર્ષિત કર્યું હતું કારણ કે 200 મીટરના નિષ્ણાત લાયલ્સે 6.43 સેકન્ડનો વ્યક્તિગત સર્વશ્રોષ્ઠ સમય હાંસલ કર્યો હતો. ગયા ઓગસ્ટમાં બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ જીતીને ધૂમ મચાવનાર લાયલ્સે બે સતત રેસ જીતીને આસાનીથી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 22 વર્ષીય જમૈકન સ્પ્રિન્ટર એકીમ બ્લેક 6.46 સેકન્ડના સમય સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.
અમેરિકન એથ્લેટ રેયાન ક્રાઉસરે ચેમ્પિયનશિપના રેકોર્ડને 22.77 નીટર સુધી સુધારીને મેન્સ શોટપુટમાં વિજય નિશ્ચિત કર્યો હતો. વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, બે વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ક્રાઉસરે પોતાના અંતિમ થ્રો સાથે પોતાનો પ્રથમ ઇનડોર વર્લ્ડ એવોર્ડ જીત્યો હતો. ન્યૂઝીલેન્ડના ટોમ વોલ્શે 22.07 મીટરના થ્રો સાથે સિલ્વર તથા ઇટાલીના લિયોનાર્ડો ફેબ્રીએ 21.96 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ જીત્યો હતો.
વિમેન્સ હાઇજમ્પમાં ઓસ્ટ્રેલિયાની નિકોલા ઓલિસ્લાગર્સે 1.99 મીટર સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. વર્લ્ડ ચેમ્પિયન યૂક્રેનની યારોસ્લાવા મહુચિખ નિકોલા કરતાં 0.02 મીટર પાછળ રહી હતી અને તેને સિલ્વર મેડલથી સંતોષ માણવો પડયો હતો. કેનેડાની સારા મિટને વિમેન્સ શોટપૂટમાં પોતાની સિઝનનો સર્વશ્રોષ્ઠ 20.22 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિમેન્સ પેન્ટાથ્લોનમાં બેલ્જિયમની નૂર વિડ્સે ટોપ પોડિયમ ફિનિશ કર્યું હતું.


