- ગાજવીજ અને હળવા વંટોળ સાથે વરસાદ ખાબકતા ઘઉંનો પાક ધરાશાયી
- ખેડૂતોને સહાય કરવામાં આવે એવું ખેડૂતોએ એક સૂરમાં જણાવ્યું હતું
- ઘઉંના પાક પર વ્યાપક પ્રમાણમાં વિપરીત અસરો જોવા મળી
કપડવંજ અને કઠલાલ પંથકમાં શનિવારે સાંજના સુમારે ખાબકેલા કમોસમી વરસાદ માવઠાના કારણે વ્યાપક વિપરીત અસરો થયાનું વાત્રકકાંઠા વિસ્તારના ધરતીપુત્રોએ જણાવ્યું હતું. આ અંગે આ પંથકના અગ્રણી અપ્રુજી ગામના ખેડૂત રાકેશસિંહ લક્ષ્મણસિંહ સોલંકીના જણાવ્યા મુજબ ગત શનિવારે સાંજના અચાનક આવેલા માવઠાના કારણે વિવિધ રવિ પાક પર વ્યાપક વિપરીત અસરો જોવા મળી હતી. આ અંગે રવદાવત ગામના ખેડૂત ફ્તેસિંહ કાનસિંહ ઝાલાના જણાવ્યા મુજબ આ પંથકના વાત્રકકાંઠા વિસ્તારમાં ઉત્પાદન માટે તૈયાર થયેલ વિવિધ રવિ પાક જેમાં ખાસ કરીને ઘઉંના પાક પર વ્યાપક પ્રમાણમાં વિપરીત અસરો જોવા મળી હતી. હવે ટૂંક જ સમયમાં જ્યારે ઘઉં કાપવા માટેનો સમય થઈ ગયો હતો. તેમજ કોઈ જગ્યાએ તો આગોતરા ઘઉંની કાપણી પણ કરવામાં આવી હતી. ત્યારે શનિવારે સાંજે ગાજ વીજ સાથે થયેલા માવઠા તેમજ હળવા વાવાઝોડાને કારણે ઘઉંનો પાક જમીનદોસ્ત થયો હતો. જેથી કરીને પંથકના ધરતીપુત્રોમાં ચિંતાના વાદળ જાણે છવાયા હતા. આમેય શિયાળાની ઋતુમાં આ વખતે અપેક્ષિત ઠંડી પડી ન હતી. જેના કારણે ઘઉંનો વિકાસ અપેક્ષિત થયો ન હતો. તેમાંય ગત રોજ આવેલા માવઠાના કારણે ખેડૂતો પર જાણે પડયા પર પાટુ એવું માવઠાએ સાબિત કરી બતાવ્યું હતું.માવઠાના કારણે વ્યાપક વિપરીત અસરો થતાં ઘઉંનો પાક જાણે નિષ્ફ્ળતાના આરે આવી ગયો હોય એવું પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું. ઘઉંનો ઊભો પાક વાવાઝોડાને કારણે પડી જતા તેમજ તૈયાર થયેલ ઘઉંનો પાક વરસાદી પાણીથી પલળી જતા એની સીધી અસર ઉત્પાદન તેમજ ઘઉંના ઘાસચારામાં થશે એવું ખેડૂતોએ ઉમેર્યું હતું. પંથકના ધરતીપુત્રોના જણાવ્યા મુજબ શિયાળુ પાકમાં ઘઉં, દિવેલા, વરીયાળી તેમજ બટાકા સાથે વિવિધ શાકભાજીના પાક સાથે દેશી આંબા પર આવેલ મોર પણ ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. જેથી સરકાર દ્વારા અહીંના વિસ્તારમાં ખેડૂતોને સહાય કરવામાં આવે એવું ખેડૂતોએ એક સૂરમાં જણાવ્યું હતું.


