ભાવનગર જિલ્લા બેંકમાંથી રૂ.૮૦૨ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું
ફેક બેલેન્સના આધારે કરોડો રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવાનું આયોજનબધ્ધ કારસ્તાન : દેશવ્યાપી કૌભાંડની આશંકા, ૧૧૧૭ અરજી થઇ
અગ્ર ગુજરાત, ભાવનગર
ગુજરાતમાં ઓનલાઈન આર્થિક ગુનાખોરી આચરતા તત્વો સામે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે અત્યાર સુધીની સૌથી મોટી ઓપરેશનલ કાર્યવાહી કરી છે. રાજ્યમાં નાણાં ગેરકાયદે ટ્રાન્સફર કરવાનું એક મસમોટું આંતરરાજ્ય કૌભાંડ સાયબર ટીમે શોધી કાઢ્યું છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત પોલીસ સંસ્થાઓએ માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં દેશભરમાંથી કુલ 55 જેટલા શાતિર આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
આ સમગ્ર કૌભાંડના તાર ‘ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક’ સાથે જોડાયેલા છે. સાયબર ગુનેગારોએ ડિજિટલ સેંધ મારીને બેંકના મેઈન સર્વરને જ હેક કરી લીધું હતું. સર્વર હેક કર્યા બાદ આરોપીઓએ કોઈ પણ વાસ્તવિક ડિપોઝિટ વિના જ સીધું બેંક ખાતામાં 7,34,91,682 રૂપિયાનું બોગસ અને ફેક બેલેન્સ ઊભું કરી દીધું હતું. આ ફેક બેલેન્સના આધારે કરોડો રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવાનું આયોજનબદ્ધ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસને ‘ચામુંડા કોમ્યુનિકેશન’ નામની એક ડમી પેઢી હાથ લાગી હતી. આ ડમી પેઢીના બેંક ખાતાઓ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરતા સાયબર સેલના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ એક જ પેઢીના નામે માત્ર થોડા જ સમયમાં 161 કરોડથી વધુના શંકાસ્પદ અને છેતરપિંડીના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા સમગ્ર દેશમાં આ કૌભાંડ સંબંધિત 1117 જેટલી સાયબર ફ્રોડની અરજીઓ મળી આવી છે, જેમાં કુલ 802 કરોડના ટ્રાન્ઝેક્શનના સ્કેમની કડીઓ જોડાયેલી છે.
સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ નેટવર્ક ચલાવતા મુખ્ય ચાર સાગરીતોની ધરપકડ કરી છે. વિશાલ સુરેશભાઈ ડોડીયા (રહે. વસ્ત્રાલ, અમદાવાદ) – જે બોગસ દસ્તાવેજોના આધારે ફેક પેઢીઓ બનાવતો હતો. મોહમ્મદ ખાલીક ગુલામ હુસેન (ઉં.વ. 40, રહે. લિંબાયત, સુરત) – જે ભાવનગર બેંક હેકિંગ કેસમાં મુખ્ય મ્યુલ (ડમી) ખાતાધારક છે. સોયબ ગુલાબનબી રાણા (ઉં.વ. 38, રહે. ઉધના, સુરત) – જે આ તમામ કૌભાંડી બેંક ખાતાઓને ઓપરેટ કરતો હતો. અફઝલ પીર મોહમ્મદ મન્સૂરી (રહે. ગોમતીપુર, અમદાવાદ) – જે મ્યુલ એકાઉન્ટમાં આવેલા નાણાંને સગેવગે કરવાનું કામ કરતો હતો. તેની ધરપકડ કરી છે.


