- પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના ઘરે રાતે બે વાગે SOGનો દરોડો
- બેંગલુરુ, ઈન્દોર અને પૂણે સાથે તાર જોડાયા, મોટા કૌભાંડનો અંદેશો
- તુષાર આરોઠે 2019માં IPLની મેચો ઉપર સટ્ટો રમાડતાં ગિરફતાર થઈ ચૂક્યો
પાંચ વર્ષ પૂર્વે આઈ.પી.એલ. ઉપર સટ્ટો રમાડવાના આરોપ હેઠળ ગિરફતાર થયેલા અને હાલમાં બી.સી.એ.ની સ્ટેટ એકેડમીનો કૉચ તુષાર આરોઠેના શહેરના પ્રતાપગંજ ખાતેના નિવાસસ્થાને મધરાતે બે વાગે એસ.ઓ.જી.ની ટીમે રેડ કરીને રોકડા રૂ.1.39 કરોડ ભરેલી બેગ કબજે કરી હતી. બી.સી.સી.આઈ.ની વુમન્સ ક્રિકેટ ટીમના કૉચ રહી ચુકેલાં પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે અને શહેરના રેલવે સ્ટેશન પાસેની હોટલમાં રોકાયેલાં પૂણેના બે સાગરીતોની એસ.ઓ.જી. દ્વારા અટકાય કરવામાં આવતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
આ પૈસા તેમના પુત્ર રિશિએ બેંગલુરુથી પી.એમ. આંગડિયા મારફતે મોકલાવ્યા હતા. ઈન્દોરથી બાય રોડ આવેલાં બે સાગરીતોએ કરેલી કબુલાત પ્રમાણે 38 લાખ પૂણેમાં કોઈ વ્યકિતને પહોંચાડવાના હતા. 1.39 કરોડની બેહિસાબી રકમના તાર બેંગલુરુ,ઈન્દોર અને પૂણે સાથે જોડાયા છે. રિશિ બેંગલુરુથી આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
તુષાર આરોઠે 2019માં IPLની મેચો ઉપર સટ્ટો રમાડતાં ગિરફતાર થઈ ચૂક્યો છે. તુષારની એસ.ઓ.જી. દ્વારા લગાતાર 7 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પુત્ર રિશિએ મોકલાવેલી જંગી રકમનો હિસાબ રજૂ કરી શકયા નથી. તુષાર આરોઠેના ઘરે રૂપિયા ભરેલા થેલાઓ આવ્યા છે તેવી શનિવારે મોડીરાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને માહિતી સાંપડી હતી. પોલીસે મધરાતે લગભગ બે વાગે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના ઘરે છાપો માર્યો હતો.
સર્ચ દરમિયાન કિટબેગમાંથી 1.01 કરોડ મળ્યા હતા. આ પૈસા અંગે તુષારે એવી કેફિયત આપી હતી કે, બેંગલુરુ ખાતે રહેતાં પુત્ર રિશિ આરોઠેએ પી.એમ. આંગડિયા મારફતે પૈસા મોકલ્યા છે. રિશિએ કુલ 1.39 કરોડ મોકલાવ્યા હતા. આ પૈકીના 38 લાખ શહેરના રેલવે સ્ટેશન પાસેની હોટલમાં રોકાયેલાં વિક્રાંત રાચપતવાર તેમજ અમીત છગનરાવ જળીત પાસે છે. પોલીસે રાતોરાત બંનેની ધરપકડ
કરી હતી.
તુષારે ફોન ફોર્મેટ કરીને પોલીસમાં જમા કરાવ્યો
એસ.ઓ.જી.એ રોકડા રૂ. 1.39 કરોડની રોકડ સાથે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેની પૂછપરછ માટે અટકાયત કરી છે તેમનો મોબાઈલ ફોન પણ તપાસ અર્થે કબજે કર્યો છે. આ ફોન તુષારે ફોર્મેટ કરી નાંખ્યો છે. એસ.ઓ.જી. તેનો મોબાઈલ ફોન ફંફોસતી રહી પણ કોઈ ડેટા મળ્યો નથી.


