- અકસ્માતમાં 9 લોકોના મોત
- ટ્રક સાથેની ટક્કર બાદ વાનમાં લાગી આગ
- 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી
મેક્સિકોના કેરેબિયાઈ તટ પર સોમવારે એક મોટી સડક દુર્ઘટના બની. અહીં હાઈવે પર એક વાન દુર્ઘટનામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે વાન ટ્રક સાથે અથડાઈ હતી.
ઈજાગ્રસ્ત લોકો સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ
મેક્સિકોના કેરેબિયન તટ પર સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં હાઈવે પર વાન અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વાન એક ટ્રક સાથે અથડાઈ. તુલુમ રિસોર્ટથી લગભગ 120 કિલોમીટર દક્ષિણમાં આવેલા વિસ્તારમાં સોમવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. ટ્રક સાથે અથડાયા બાદ વાનમાં આગ લાગી હતી. આ વાનમાં મુસાફરી કરી રહેલા અન્ય છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાં ત્રણ સગીરનો સમાવેશ થાય છે.
હાઈવે પર અકસ્માતો વધ્યા
આ પ્રદેશના મોટાભાગે માયા વતનીઓમાં વાન એ જાહેર પરિવહનનું મુખ્ય માધ્યમ છે. કારણ કે આ વિસ્તાર દરિયાકિનારાથી અમુક અંતરે છે. આ વિસ્તારમાં પ્રવાસીઓ ભાગ્યે જ આવે છે. મળતી માહિતિ અનુસાર તમામ પીડિતો સ્થાનિકો છે. કેરેબિયન તટ વધુ વિકસિત થઈ રહ્યો છે અને ટ્રાફિક વધી રહ્યો છે, સ્થાનિક હાઈવે પર વધુ અકસ્માતો થઈ રહ્યા છે.
જાન્યુઆરીમાં માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત થયા
મેક્સિકોમાં જાન્યુઆરીમાં એક ભયાનક રોડ અકસ્માત થયો હતો. જેમાં પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને 19 લોકોના મોત થયા હતા. તેમજ 18 ઘાયલ થયા હતા. મળતી માહિતિ અનુસાર બસમાં 37 લોકો સવાર હતા. આ દુર્ઘટના પ્રશાંત તટીય રાજ્ય સિનાલોઆમાં હાઇવે પર બની હતી. રાજ્યના નાગરિક સંરક્ષણ કાર્યાલયના નિર્દેશક રોય નવરેતે જણાવ્યું હતું કે આ દુર્ઘટના બંદર શહેર મઝાતલાન નજીક અલોટા ટાઉનશિપમાં થઈ હતી.


