- બજેટના સમર્થનમાં વિરોધમાં 11 મત પડતા અંદાજપત્રને ના મંજૂર કરવાની ફરજ પડી
- તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે બજેટ ફાળવણીમાં ભારે અસંતોષ
- તેમના સહિત બે સદસ્યોએ ક્રોસ વોટિંગ કરતાં હાહાકાર મચ્યો
સિદ્ધપુર તાલુકા પંચાયતના હોલ ખાતે મંગળવારે બપોરે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં મોટા ઉપાડે ભાજપના શાસકોએ રજૂ કરેલા બજેટને નામંજૂર કરવાની ફરજ પડી હતી. રજૂ કરેલા બજેટના સમર્થનમાં માત્ર 10 મત જ્યારે વિરોધમાં 11 મત પડતાં તાલુકા વિકાસ અધિકારીએ બજેટને સત્તાવાર રીતે નામંજૂર જાહેર કર્યું હતું. આ સ્થિતિને જોતા આગામી સમયમાં સિદ્ધપુર તાલુકા પંચાયતમાં નવા જૂની થવાના પૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે.
મંગળવારે બપોરે સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરીના હોલમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમાર, પ્રમુખ ગીરીબેન ઠાકોર, ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ દર્શનભાઈ પટેલ તેમજ ભાજપ તથા કોંગ્રેસના સદ્સ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં ચાલુ વર્ષ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં બજેટના સમર્થનમાં તાલુકા પંચાયત પ્રમુખ સહિત ભાજપના 10 સદ્સ્યોએ મત આપ્યો હતો જ્યારે બજેટના વિરોધમાં ભાજપમાં જોડાયેલા ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ તેમજ કોંગ્રેસના સદ્સ્યોએ મળી 11 મત રજૂ કરતા બજેટ નામંજૂર કરવાની ફરજ પડી હતી. તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમાર દ્વારા રજૂ કરાયેલા બજેટને સત્તાવાર રીતે નામંજૂર જાહેર કરવામાં આવ્યું હતું.
એક સપ્તાહમાં ફરી બોલાવાઈ બેઠક બજેટ મંજૂર થશે કે નહીં તેના પર સૌની નજર
મંગળવારે યોજાયેલી સામાન્ય સભામાં બજેટ નામંજૂર થયા બાદ હવે તાલુકા વિકાસ અધિકારી દ્વારા એક સપ્તાહની અંદર બીજી વખત સામાન્ય સભા બોલાવવામાં આવે તે સભામાં પણ બજેટ રજૂ કરવામાં આવે તે નવા બજેટને હવે મંજૂરી માટે જરૂરી મત મળે છે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે.
તાજેતરમાં ભાજપમાં જોડાયેલા ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલે વિરોધમાં મત આપ્યો
પાંચ માસ અગાઉ સિદ્ધપુર તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થયું હતું જેમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકડીને ભાજપ સત્તામાં આવી હતી તે સમયે મૂળ કોંગ્રેસના જગદીશભાઈ પટેલ ભાજપમાં જોડાયા હતા અને તેઓને તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. રજુ કરાયેલા બજેટના વિરોધમાં ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલે મત આપીને ક્રોસ વોટીંગ કર્યું હતું તે સિવાય પણ ભાજપના એક સદ્સ્યએ ક્રોસ વોટીંગ કર્યું હતું
બજેટને બહાને કોંગ્રેસના બેની ઘર વાપસી ? સિદ્ધપુર તાલુકા પંચાયતની પહેલી અઢી વર્ષની ટર્મમાં કોંગ્રેસની સત્તા હતી પરંતુ પાંચ માસ અગાઉ બીજી અઢી વર્ષની ટર્મ શરૂ થાય તે પહેલા ભાજપે કોંગ્રેસના બે સદ્સ્યોને પોતાની તરફ ખેંચી લઈને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં સત્તા આંચકી લીધી હતી. હવે પાંચ માસ બાદ બજેટને બહાને કોંગ્રેસના બે સદ્સ્યો જેઓ ભાજપમાં ગયા હતા તેઓએ ક્રોસ વોટિંગ કરીને ઘર વાપસી કરી રહ્યા હોવાનો આડકતરો ઈશારો કર્યો છે.
ગ્રાન્ટ ફાળવણી મામલે પૂર્વ ઉપપ્રમુખે ટીડીઓને ખખડાવ્યા અગાઉ સામાન્ય સભામાં દરેક ડેલિકેટને તેઓના મતવિસ્તારમાં વિકાસ કાર્યો કરવા માટે રૂ.6.50 લાખની ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત કરાઈ હતી જેને સર્વાનુમતે મંજૂર કરાઈ હતી. પરંતુ સમોડા, ગણવાડા અને ચાટાવાળા ગામે જે ડેલીગેટના કાર્યક્ષેત્રમાં આવે છે તે ડેલીકેટે રાજીનામું આપી દીધું હતું પરંતુ તે ગામડાઓનો વિકાસ અટકવો ના જોઈએ જેથી આ ત્રણ ગામડાઓમાં એક સરખી ગ્રાન્ટ ફાળવવાની હોય પરંતુ તેને બદલે માત્ર સમોડામાં બધી ગ્રાન્ટ ફાળવી દઈ ચાટાવાળા અને ગણવાડા ગામની બાદબાકી કરવામાં આવી હતી. આ મુદ્દે તાલુકા પંચાયત પુર્વ ઉપપ્રમુખ દશરથભાઈ પટેલે તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમારને વેધક સવાલો પૂછીને ખખડાવી નાખ્યા હતા જેનો તાલુકા વિકાસ અધિકારી કોઈ જવાબ પણ આપી શક્યા નહોતા.


