- હવે ડીએમકેના નેતા એ. રાજાનો ભગવાન રામ વિશે લવારો
- હનુમાનજીની તુલના વાનર સાથે કરી જય શ્રીરામના નારાને ઘૃણાસ્પદ ગણાવ્યો
- તેણે ઉમેર્યું હતું કે મને રામાયણ અને મહાભારત પર વિશ્વાસ નથી
ડીએમકે નેતા એ. રાજા ભારત અને સનાતનને લઇને આપવામાં આવેલા નિવેદનને લઇને વિવાદમાં ફસાઇ ગયા છે. વાસ્તવમાં તેણે એક નિવેદનમાં કહ્યું છે કે વાસ્તવમાં ભારત એક રાષ્ટ્ર છે જ નહીં પણ એક ઉપમહાદ્વીપ છે અને ભગવાન રામનું અપમાન કરતાં જણાવ્યું હતું કે આપણે બધા રામના દુશ્મન છીએ. એ. રાજાનું આ નિવેદન ત્યારે જ આવ્યું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને સનાતન વિરોધી નિવેદનબાજી પર ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્ટાલિનને કહ્યું હતું કે તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે અને હવે તમે રાહત માંગી રહ્યા છો. તમે આમ આદમી નથી પણ રાજનેતા છો. એ. રાજાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જો તમે કહેશો કે રામ તમારા ભગવાન છે અને ભારત માતાની જય તો અમે તે ભગવાન અને ભારત માતાની જયને ક્યારેય સ્વીકારીશું નહીં. અમે બધા રામના શત્રુ છીએ. તેણે ઉમેર્યું હતું કે મને રામાયણ અને મહાભારત પર વિશ્વાસ નથી. તેણે ભગવાન હનુમાનની તુલના બંદર સાથે કરતાં જય શ્રીરામના નારાને ઘૃણાસ્પદ ગણાવ્યો હતો.
શું કોંગ્રેસ DMKના એ. રાજા સાથે ઊભી છે? : BJP
રાજાની ટિપ્પણી બાદ ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે એ. રાજાએ કહ્યું છે કે તેઓ જય શ્રીરામ અને ભારત માતાની જયને ક્યારેય સ્વીકાર નહીં કરે. તો શું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા અને મલ્લિકાર્જુન ખડગે રાજાની વાત સાથે સહમત છે? શું ડીએમકેએ કોઇ અન્ય ધર્મની સામે આ પ્રકારની ટિપ્પણી કરવી જોઇએ? તેમણે ઉમેર્યું હતું કે અમે તમામ ધર્મોનો આદર કરીએ છીએ.
ઈન્ડિયા ગઠબંધનનો રાજકીય એજન્ડા છે : રવિશંકર
ભાજપ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે હવે તો એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઇ ગયું છે કે ભારતીય પરંપરા સામે સવાલ ઉઠાવવા, હિન્દુ દેવી-દેવતાઓનું જાહેરમાં અપમાન કરવું ઈન્ડિયા ગઠબંધનનો રાજકીય એજન્ડા બની ગયો છે. આ એજન્ડા હેઠળ જ ભારત સામે પણ સવાલ ઉઠાવાઇ રહ્યા છે.


