વડાપ્રધાન વતનમાં! સાણંદ-કચ્છમાં કાર્યક્રમ
સાણંદમાં આજે CG સેમી આઉટસોફર્ડ સેમિકન્ડકટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલીટીનું ઉદઘાટન કરશે: આવતીકાલે કચ્છમાં સભાને સંબોધન
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ અને આવતીકાલે બે દિવસ ગુજરાતનો પ્રવાસ ખેડશે જેમાં આજે બપોર બાદ સાણંદ ખાતેના પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવશે અને સંબોધન કરશે ત્યારબાદ આવતીકાલે કચ્છમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 4 જુલાઈ, શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે છે. સાંજે 4:30 વાગ્યે તેઓ અમદાવાદ આવીને સીધા સાણંદ પહોંચશે. સાણંદ ખાતે વડાપ્રધાન મોદી CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. જે બાદ તેઓ એક જનસભા પણ સંબોધશે.
આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી CG સેમિની OSAT સુવિધામાં ચાલતી વિવિધ સેમિકન્ડક્ટર પ્રક્રિયાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરશે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ PM મોદી એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.
ગુજરાતની મુલાકાત લેતા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં પણ મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા સાથે તેઓ મોડિફાઈડ UDAN યોજનાનો શુભારંભ કરાવશે. ત્યારબાદ બપોરે બાલોત્રામાં આશરે રૂ. 1.06 લાખ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી જાહેરસભા સંબોધશે.
ભારતના સેમિકન્ડક્ટર મિશન (ISM) અંતર્ગત માન્યતા પ્રાપ્ત પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાં આ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેને ફેબ્રુઆરી 2024માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પ્લાન્ટ CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમિ પ્રા. લિમિટેડ દ્વારા રૂ. 7600 કરોડના જંગી ખર્ચે સાણંદમાં શરૂ કરવામાં આવ્યો છે.
આ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં CG સેમી સાથે જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રો ઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદારીમાં છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદની અંદર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત અને વિકસિત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનો આ વિકાસ આ દાયકાને ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત કરશે.
5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન
આ OSAT સુવિધામાં QFN, QFP જેવી લિગેસી ચીપ્સ અને આધુનિક FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ કરવામાં આવશે જે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીઅલ સાધનો, 5G સાધનો અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ કંપનીમાં અત્યારે 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. આ પ્લાન્ટ શરૂ થવાથી આગામી પાંચ વર્ષમાં 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે.
સેમિકોન ઇન્ડિયા હેઠળ ગુજરાતમાં 6 પ્રોજેક્ટ્સને મંજૂરી
ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રને જરૂરી સહયોગ આપવા માટે ગુજરાતે સૌથી પહેલા સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી. સેમિકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં અત્યારે 6 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઈક્રોન ટેક્નોલોજી, CG સેમિ, કેન્સ સેમિકોન, સુચિ સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સ સામેલ છે. આ 6 પ્રોજેક્ટ્સ દ્વારા કુલ 14.7 બિલિયન ડૉલરનું રોકાણ આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે.


