- જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોનાં ધરણા
- 40 ટકા જમીન કપાતમાં જઈ શકે છે,જમીન કપાતમાં જશે પણ સામે વળતર નહી
- મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો પણ ધરણામાં જોડાઈ
જૂનાગઢમાં ઝાંઝરડા ગામમાં TP હટાવવાની માંગને લઈ ગઈકાલે ખેડૂતોએ જુડા કચેરીનો ઘેરાવ કરી, રામધુન બોલાવી ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.તો આજે પણ ખેડૂતોએ ધરણા કરી પોતાની માંગને યથવત રાખી છે,આ ધરણામાં મહિલાઓ પણ જોડાઈ છે.શહેરમાં TPની અમલવારી કરવામાં આવી નથી રહી અને ઝાંઝરડામાં અમલવારી કરાતા ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં જાય છે,સામે ખેડૂતોને કોઈ વળતર પણ આપવામાં આવ્યું નથી,જેને લઈ ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે.ખેડૂતોએ રસ્તા રોકો આંદોલનને લઈ ચિમકી ઉચ્ચારી છે.
40 ટકા કપાત
જૂનાગઢ મહાનગરપાલિકાએ ઝાંઝરડા ,સુખપુર, ટીંબાવાડી, શાપુર, જોષીપરા અને ચોબારી સહિતના વિસ્તારોમાં નવી TP અંગેની કામગીરી શરૂ કરતાં ખેડૂતોના હકની 40 ટકા જમીન કબજે કરવાની પેરવી સામે ખેડૂતોમાં રોષ છવાયો છે.ખેડૂતોના જણાવ્યાં મુજબ ઝાંઝરડા ગામમાં TP અંગેની અમલવારી કરવાની તજવીજ ચાલી રહી છે.ઝાંઝરડા વિસ્તારમાં માપણી કર્યા વગર નકશાઓ બનાવી TPના કાયદાને સોંપવામાં આવતા ખેડૂતોને તેમની 40 ટકા વારસાઈ જમીન ગુમાવવાનો વારો આવશે.
ખેડૂત આગેવાનીમાં ધરણા
ભારતીય કિસાન સંઘના મનસુખભાઈ પટોળીયાની આગેવાનીમાં ગઈકાલે મહિલા સહિત ખેડૂતો દ્વારા TP હટાવો ખેડૂત બચાવોના સૂત્રો સાથે વિરોધ વ્યકત કર્યો હતો.TP મામલે અગાઉ મહેસૂલ મંત્રીથી લઈ કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે.ગઈકાલે ખેડૂતોએ કચેરીની અંદર બેસીને વિરોધ નોધાવ્યો હતો.આ બાબતને લઈ નિર્ણય નહી આવે તો અગામી સમયમાં ખેડૂતો સરકારને મળશે.


