વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું
રાજકોટ જિલ્લામાં ૮૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પરીક્ષાર્થીઓને નડી ટ્રાફિક જામની સમસ્યા
સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી પરીક્ષાની મોસમ ખીલી છે. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો શુભારંભ થયો છે. ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં કૌશલ્ય ઝળકાવવા લાખો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં રાજકોટ શહેરમાં આજથી ધો.10ની પરીક્ષાનો પ્રારંબ હ થતાં વિદ્યાર્થીઓને શાળામાં અડધો કલાક વહેલા પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં સવારે 10 વાગ્યે ન્યુ એરા સ્કૂલ ખાતે કલેકટર, DDO, SPએ જી. કે. ધોળકિયા ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક – પુષ્પગુચ્છ અર્પણ કરીને અવકાર્યા હતા. આજથી ધો.10ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ત્યારે પ્રથમ પેપર ગુજરાતી ભાષાનું હતી. જેમાં રાજકોટ શહેર-જિલ્લામાં 37 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આજથી શરૂ થયેલી ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્વની કસોટી આપી રહ્યા છે. ધો. ૧૦-૧૨ની પરીક્ષા ન્યાયિક માહોલ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શિક્ષણ વિભાગ અને વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ – અધિકારીઓએ કડક પ્રબંધો કર્યા છે. આમ, શાળાની આસપાસ આવેલી તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવામાં આવી હતી. વાલીઓ વિદ્યાર્થીઓને શાળા મૂકવા જતાં મોટાભાગની શાળાઓની આસપાસ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. રાજકોટ જિલ્લામાં ધો.10-12ના 80 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાઇ તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.
ધો.10 અને ધો.12ની પરીક્ષા તા.11 માર્ચથી 22 માર્ચ દરમ્યાન લેવાશે. ગુજરાત રાજયમાં ધો.10ના 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.12 વિજ્ઞાનપ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહમાં કુલ 6 લાખ 21 હજાર પરીક્ષાઓ તેમની કારર્કીદીની અગત્યની કસોટી આપનાર છે. ધો.10-12ની શિક્ષણબોર્ડની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાય તે માટે શિક્ષણબોર્ડ દ્વારા રાજયકક્ષા અને જિલ્લાકક્ષાએ ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા તા.11 માર્ચથી શરૂ થનારી ધો.10-12 ની પરીક્ષામાં ધો.10માં 9,17,687 ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં 1,32,073 તેમજ ધો.12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે ઇજનેરી કોર્ષ માટે લેવાની ગુજકેટની પરીક્ષા તા.31 માર્ચે લેવાશે. રાજયમાં ગુજકેટની પરીક્ષામાં કુલ 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધો.10ની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજયના 981 કેન્દ્ર, ધો.12 સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા 653 કેન્દ્રોમાં લેવાશે. ધો.10-12ની પરીક્ષામાં કેન્દ્રમાં મોબાઇલ કે અન્ય ઇલેકટ્રીક ગેજેટ લઇ જવા પર પ્રતિબંધ છે. ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી. કેમેરા હેઠળ લેવાશે. ધો.10-12ની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીનો સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે તે માટે એસ.ટી. દ્વારા વિશેષ રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ધો.10-12ની પરીક્ષાના રાજયના 140 સ્ટ્રોંગરૂમ ઉપર કડક પ્રબંધો વચ્ચે પ્રશ્નપત્રો મોકલાવામાં આવ્યા છે. જયાં થ્રી-લેયર સીકયુરીટી હેઠળ પ્રશ્નપત્રો સાચવામાં આવશે. ધો.10-12 ની પરીક્ષા માટે સ્ટ્રોંગરૂમમાંથી નીકળેલા પ્રશ્નપત્રો નિયત પરીક્ષા કેન્દ્રો સુધી અને ત્યાંથી પરીક્ષા રૂમ સુધી પહોંચે તે માટે એપ્લીકેશનના માધ્યમથી પ્રશ્નપત્રોનું ટ્રેકીંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જીલ્લા મથકોએ પરીક્ષા માટે ખાસ કન્ટ્રોલરૂમ ખુલી ગયા.
આ વર્ષે લોકસભાની ચુંટણી હોય શિક્ષણબોર્ડ દ્વારા શિક્ષકો પાસેથી વહેલાસર ધો.10-12ની ઉતરવહી ચકાસણી કરવાનું આયોજન થયું છે. દર વર્ષ કરતા આ વર્ષે ધો.10-12ની પરીક્ષાનું વહેલુ પરિણામ જાહેર થશે. ધો.10-12ની પરીક્ષા દરમ્યાન જ ઉતરવહી મુલ્યાંકન તેમજ બીજા દિવસથી જ ગુણની એન્ટ્રી કરવામાં આવશે.


