- દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ
- શરણાર્થીઓને મળી શકશે ભારતીય નાગરિકતા
- બીન મુસ્લિમ શરણાર્થીઓને મળી શકશે નાગરિકતા
કેન્દ્ર સરકારે CAAને લઈને નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં દેશમાં CAA લાગુ કર્યું છે. આનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે.
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે CAAનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. હવે 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મળવાનું શરૂ થઈ જશે. સીએએના નવા કાયદા હેઠળ, મોદી સરકાર હવે 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ – અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે.
ગૃહ મંત્રાલયે પોર્ટલ તૈયાર કર્યું
ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારત ક્યા વર્ષમાં આવ્યા હતા તેની જાહેરાત કરવી પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. કાયદા અનુસાર, ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત લઘુમતીઓને CAA હેઠળ લાભ મળશે.
કેન્દ્ર સરકારે 2019માં કાયદામાં સંશોધન કર્યું
વર્ષ 2019માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સંશોધન કર્યું હતું. તેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી 31 ડિસેમ્બર 2014 પહેલા આવનારા છ અલ્પસંખ્યકો (હિન્દુ, ખ્રિસ્તિ, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી) ને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમો મુજબ નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.
નિયમો હેઠળ કોને મળશે નાગરિકતા?
નાગરિકતા આપવાનો સંપૂર્ણ અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. પાડોશી દેશ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તિ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવા માટે 1955 ના નાગરિકતા અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યું છે. એવા પ્રવાસી નાગરિકો જે પોતાના દેશોમાં ધાર્મિક ઉત્પીડનથી તંગ આવીને 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને શરણ લઈ ચૂક્યા છે. આ કાયદા હેઠળ એવા લોકોને ગેરકાયદેસર પ્રવાસી માનવામાં આવેલા છે જે ભારતમાં પાસપોર્ટ અને વીઝા વગર ઘૂસી આવ્યા છે કે પછી કાયદેસર દસ્તાવેજ સાથે ભારત તો આવ્યા પરંતુ પછી નિર્ધારિત સમયગાળા કરતા વધુ સમય સુધી અહીં રોકાઈ ગયા હોય.
નાગરિકતા માટે આ કામ અગત્યનું
સરકારે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન બનાવી છે. આ માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. અરજીકર્તા પોતાના મોબાઈલ ફોનથી પણ અરજી કરી શકે છે. અરજીકર્તાઓએજ્યારે તેમણે દસ્તાવેજો વગર ભારતમાં પ્રવેશ કર્યો હતો તે વર્ષ જણાવવાનું રહેશે. અરજીકર્તાઓ પાસેથી કોઈ દસ્તાવેજ માંગવામાં નહીં આવે. નાગરિકતા સંલગ્ન જેટલા પણ આવા કેસ પેન્ડિંગ છે તે બધા ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્ર વિસ્થાપિતોએ ફક્ત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપી દેશે.



