- બોર્ડે ગણિતમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે વિકલ્પ આપ્યા છે
- સ્ટાન્ડર્ડ પ્રશ્નપત્ર પસંદ કરનાર વિદ્યાર્થી માત્ર 71,568, બેઝિકમાં 7,63,611
- સ્ટાન્ડર્ડમાં સૌથી ઓછા વિદ્યાર્થી સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાયા
ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આવતીકાલે બુધવારે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે ધોરણ.10ના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના એવા ગણિત વિષયની પરીક્ષા યોજાશે. ગણિતની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી કુલ 8,35,179 વિદ્યાર્થી નોંધાયા છે. કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી સ્ટાન્ડર્ડ એટલે કે, અઘરા પ્રશ્નપત્ર સાથે પરીક્ષા આપવાનું માત્ર 8.56 ટકા વિદ્યાર્થીઓએ જ પસંદ કર્યું છે. આ સંખ્યા પરથી જ ગણિત વિષયને લઈ વિદ્યાર્થીઓમાં કેટલો ભય હશે તે જાણી શકાય છે.
ધોરણ.10માં ગણિત વિષયની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં હતા. જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ-2022-23થી ગણિતમાં સ્ટાન્ડર્ડ એટલે કે, અઘરૂ અને બેઝિક એટલે કે, સહેલુ પ્રશ્નપત્ર એમ બે વિકલ્પ વિદ્યાર્થીઓને આપવાની જોગવાઈ કરવામાં આવી. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને વિકલ્પ અપાતાં હવે મોટાભાગના એટલે કે, 91 ટકાથી વધુ વિદ્યાર્થીઓ બેઝિક સહેલા પ્રશ્નપત્ર દ્વારા જ પરીક્ષા આપવાનું પસંદ કરી રહ્યાં છે. આ વખતે ગણિત વિષયની પરીક્ષા માટે રાજ્યમાંથી કુલ 8,35,179 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાથી 7,63,611 વિદ્યાર્થીઓએ બેઝિક એટલે કે, સહેલા પ્રશ્નપત્રથી પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સિવાયનાં 71,568 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો આ વખતે ટકાવારીની દૃષ્ટીએ સૌથી ઓછા વિદ્યાર્થીઓએ ગણિત સ્ટેન્ડર્ડનો વિકલ્પ પસંદ કર્યો છે. વર્ષ-2022-23ના પરિણામની બુકલેટમાંથી લીધેલા આંકડા મુજબ કુલ 7,81,152 વિદ્યાર્થીઓમાંથી 1,10,797 એટલે કે, 14.18 ટકા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડમાં પરીક્ષા આપી હતી. વર્ષ-2023-24માં કુલ 7,40,969 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાથી 78,478 એટલે કે, 10.59 ટકા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડમાં પરીક્ષા આપી હતી. મહત્વની વાત એ છે કે, પરિણામમાં સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ જ બાજી મારે છે. ગત વર્ષે સ્ટાન્ડર્ડ ગણિતનું પરિણામ 94.99 ટકા આવ્યું હતુ જ્યારે બેઝિક ગણિતનું પરિણામ 70.49 ટકા આવ્યું હતું.
સ્ટાન્ડર્ડમાં સૌથી ઓછા વિદ્યાર્થી સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાયા
સ્ટાન્ડર્ડ ગણિતના પેપરથી પરીક્ષા આપવા નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી સૌથી ઓછા વિદ્યાર્થી સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં સૌથી ઓછા વિદ્યાર્થી નોંધાયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં સમાવિષ્ટ થયેલા 13 જિલ્લાઓમાંથી સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 16,391 જ વિદ્યાર્થી નોધાયા છે. એ સિવાય અમદાવાદથી ઉત્તર ગુજરાતમાં 22,116 તેમજ ખેડાથી વલસાડ દક્ષિણ ગુજરાત ઝોનમાં 33,061 વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિતમાં નોંધાયા છે.
ધો.12ની પરીક્ષામાં બનાસકાંઠામાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો
મંગળવારના રોજ ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં ભૂગોળ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહાર એમ બે વિષયની પરીક્ષા યોજાઈ હતી. ભૂગોળ વિષયના પેપરમાં બનાસકાંઠાના ધાનેરાની સુર્યોદય ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક ડમી વિદ્યાર્થી પકડાતાં તેની સામે કોપીસ કેસ કરવામાં આવ્યો હતો. એ સિવાય ભાવનગરમાં પણ એક કોપી કેસ નોંધાયો હતો. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, પ્રથમ સેશનમાં ભૂગોળ વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ નોંધાયેલા 1,90,956 વિદ્યાર્થી પૈકી 1,87,802 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતા. બીજા સેશનમાં એસપીની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ નોંધાયેલા 1,49,722 વિદ્યાર્થીઓ પૈકી 1,48,580 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતા.


