ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ
ખોડલધામ પરિવાર અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓની બેઠક યોજાઈ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આગામી તારીખ 7/ 11/ 2026 ને શનિવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે ધોરાજી ખોડલધામ પરિવાર સમિતિના અરવિંદભાઈ વોરા ના અધ્યક્ષ સ્થાને ખોડલધામ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ હતી.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે લેઉવા પટેલ સમાજના અગ્રણી નરેશભાઈ પટેલના ૬૧ માં જન્મદિવસ નિમિત્તે ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાથો સાથ કૂંડારીયા કેન્સર ફાઉન્ડેશન અને બીટી સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને હિમોગ્લોબીન નું નિશુલ્ક નિદાન કરવામાં આવશે અને હિમોગ્લોબીનની દવાઓ જરૂરિયાતવાળાને ફ્રી આપવામાં આવશે.
ખોડલધામ પરિવાર ની સાથે સહયોગમાં ધોરાજી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ, તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ, માધવ ગૌશાળા, કૃષ્ણ ગૌશાળા, નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, જેસીઆઈ ધોરાજી, બજરંગ ગ્રુપ, સીતારામ સેવા ટ્રસ્ટ, લાયન્સ કલબ, શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન, રોકડીયા હનુમાન સેવા સહાયક ટ્રસ્ટ, ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, અને ગોકુલધામ ગૌશાળા સહિત વિવિધ સંસ્થાઓ અને તેમના અગ્રણીઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ કેમ્પને લઈ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


