તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો
માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ: છાત્રોમાં ભયનો માહોલ, સુરક્ષા પર ઉભા થયેલા સવાલો
અગ્ર ગુજરાત, તાલાલા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેર નજીક આવેલી પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં મધ્યરાત્રિએ એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 12 માં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થી ઉત્સવ ચાવડા પર દીપડાએ ઘાતકી હુમલો કર્યો છે. હોસ્ટેલ કેમ્પસમાં બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીને માથા તેમજ ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વન્યજીવોના આતંક વચ્ચે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકના શૈક્ષણિક વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.
મૂળ પ્રભાસ પાટણનો વતની અને અહીં હોસ્ટેલમાં રહીને ભણતો ઉત્સવ ચાવડા મોડી રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ હોસ્ટેલના બાથરૂમ બાજુની તૂટેલી જાળીમાંથી બહાર નીકળીને ગ્રાઉન્ડમાં આવ્યો હતો. આ જ સમયે અંધારામાં ટાંપીને બેઠેલા દીપડાએ સગીર વિદ્યાર્થી પર અચાનક હુમલો કરી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં ઉત્સવની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક પ્રથમ વેરાવળ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર સારવાર માટે વિમસ (VIMS) હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે.
આ ઘટનાએ પ્લાઝમા સ્કૂલ સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હોસ્ટેલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં બાથરૂમની ગ્રીલ તૂટેલી હોવી અને વન્યજીવો ગ્રાઉન્ડ સુધી મુક્તપણે અવરજવર કરી શકતા હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હતું. વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે દાખવવામાં આવેલી આ આક્ષેપપાત્ર બેદરકારીને કારણે આજે એક નિર્દોષ વિદ્યાર્થીનો જીવ જોખમમાં મુકાયો છે.
વન વિભાગને સવારે 1:45 વાગ્યે આ ઘટનાની જાણ થતા તાલાલા રેન્જનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. ગીર પશ્ચિમ જૂનાગઢના DCF ની સૂચનાથી, વન વિભાગે હોસ્ટેલના ગ્રાઉન્ડમાં પાંજરું ગોઠવ્યું હતું. થોડા સમય બાદ, હુમલો કરનાર દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. પકડાયેલા દીપડાને સાસણ લાયન હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. વન વિભાગની આ ઝડપી કાર્યવાહીથી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સ્થાનિક લોકોએ રાહત અનુભવી છે.


