ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો
વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતો માટે ૧૫ ટકા ડિવિડન્ડની જાહેરાત
વર્ષ ૧૯૫૬માં સ્થપાયેલી મોટી પાનેલી મંડળીએ પારદર્શક વહીવટ થકી સર્વાધિક નફાનો ઐતિહાસિક વિક્રમ રચ્યો
અગ્ર ગુજરાત, ઉપલેટા
તાજેતરમાં તારીખ ૦૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરુવારના શુભ દિને મોટી પાનેલી સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર યોજવામાં આવી હતી. આ સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદ ખેડૂત ભાઈઓએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે સહકારી ક્ષેત્રના અનેક અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં આર.ડી.સી. બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુંમર, આર.ડી.સી. બેંકના અન્ય ડિરેક્ટર નરસિંહભાઈ મુંગલપરા, ઉપલેટા તાલુકા સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખીયા, ઉપલેટા તાલુકા સંઘના ઉપપ્રમુખ ભુરાભાઈ બોપાલા, કોલકી સહકારી મંડળીના પ્રમુખ નીલમબેન ખાંટ તેમજ ખારચીયા સહકારી મંડળીના પ્રમુખ બાબુભાઈ હુંબલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પાનેલી મોટી સહકારી મંડળીના પ્રમુખ વિરેનભાઈ ફળદુ તેમજ ઉપપ્રમુખ મેહુલભાઈ વરસાણી દ્વારા આર.ડી.સી. બેંકના ડિરેક્ટર હરીભાઇ ઠુંમરનું વિશેષ સન્માન કર્યું હતું.
વર્ષ ૧૯૫૬ માં સ્થપાયેલ ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળીએ તેના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ મંડળીએ ઉત્કૃષ્ટ કામગીરી કરીને રૂપિયા ૨૬.૫૦ લાખનો માતબર નફો મેળવ્યો છે. મંડળીની સ્થાપના પછી અત્યાર સુધીમાં નોંધાયેલો આ સર્વાધિક નફો હોવાથી તેણે સહકારી ક્ષેત્રમાં એક નવો જ ઇતિહાસ રચ્યો છે. આ ભવ્ય સિદ્ધિની જાહેરાત થતાં જ સભામાં ઉપસ્થિત તમામ સભાસદોમાં ભારે આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ હતી.
મંડળીની આ જ્વલંત સફળતા પાછળનું કારણ જણાવતા મંડળીના પ્રમુખ વિરેનભાઈ ફળદુ, ઉપપ્રમુખ મેહુલભાઈ વરસાણી તથા કારોબારી સમિતિના તમામ હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ સંપૂર્ણપણે પારદર્શક અને જવાબદારીપૂર્વકના વહીવટનું જ પરિણામ છે. આ સાથે જ આગામી વર્ષોમાં પણ મંડળીને પ્રગતિના વધુ ઉન્નત શિખરો સુધી પહોંચાડવા માટેનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ વાર્ષિક સભાનું સૌથી મોટું આકર્ષણ ડિવિડન્ડની જાહેરાત હતી. વર્ષ ૨૦૨૫-૨૬ના ઐતિહાસિક નફાને ધ્યાનમાં રાખીને સત્તાધીશો દ્વારા મંડળીના તમામ સભાસદ ખેડૂત ભાઈઓને ૧૫ ટકા ડિવિડન્ડ આપવાની શાનદાર જાહેરાત કરવામાં આવી હતી. આ ખેડૂતલક્ષી જાહેરાતને ઉપસ્થિત તમામ સભાસદોએ તાળીઓના ગડગડાટથી હર્ષભેર વધાવી લીધી હતી. અંતમાં, ઉપસ્થિત મહેમાનોએ પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, પારદર્શક વહીવટ, મજબૂત નાણાકીય કામગીરી અને સતત ખેડૂતહિતના નિર્ણયો લઈને મોટી પાનેલી સહકારી મંડળીએ સમગ્ર રાજ્યના સહકારી ક્ષેત્ર માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


