- આંબાવાડીના શિવાલિક પ્લાઝામાં એજન્ટને ત્યાંથી મળેલી હાર્ડ ડિસ્ક પરથી ઘટસ્ફોટ
- FSLમાં મોકલેલી હાર્ડ ડિસ્કની તપાસમાં ખુલાસો
- સીઆઇડી ક્રાઇમે ગુનો દાખલ કર્યો
સીઆઇડી ક્રાઇમે અમદાવાદ અને ગાંધીનગરમાં સાગમટે 17 જેટલા વિઝા એજન્ટોને ત્યાં દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી, જેમાં આંબાવાડીના શિવાલિક પ્લાઝામાં વિઝા એજન્ટની ઓફિસમાંથી મળેલી હાર્ડ ડિસ્કની તપાસમાં ગાંધીનગરના એજન્ટે બે વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે ત્રણ-ત્રણ લાખ લઈને નકલી માર્કશીટો બનાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલમાં ફરજ બજાવતા પીઆઈ એસ.સી. તરડેએ ગાંધીનગરના લવારપુર ખાતે રહેતાં અને ઉમિયા કુડાસણ ખાતે ઉમિયા ઓવરસીસના નામે વિઝા ઓફિસ ધરાવતા વિશાલ મહેશભાઈ પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
બનાવની વિગત મુજબ સીઆઇડી ક્રાઈમે યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા કરતા વિઝા એજન્ટોને ત્યાં ગત તા.15મી ડિસેમ્બરના રોજ સાગમટે દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લીધા હતા. પોલીસે આંબાવાડીમાં શિવાલિક પ્લાઝામાં ઓફિસ ધરાવતા એજન્ટના ત્યાં દરોડા પાડીને બે હાર્ડ ડિસ્ક કબ્જે લીધા હતા. આ હાર્ડ ડિસ્ક એફએસએલમાં મોકલવામાં આવતા ઘટસ્ફોટ થયો કે, સચિન કાંતિભાઈ ચૌધરી અને મિહિર રસેશ રામી નામના બે વિદ્યાર્થીઓની ધો-10 અને 12ની માર્કશીટ, સિવિલ એન્જિનિયરની ડિગ્રીના સર્ટી તેમજ અન્ય ડોક્યુમેન્ટ નકલી છે. પોલીસ તપાસમાં બંને વિદ્યાર્થી હાલ ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ કરતા હોવાની વિગતો ખુલી હતી. પોલીસે બંને વિદ્યાર્થીના પિતાના નિવેદન લેતા તેમણે જણાવ્યું કે, અમે અમારા સંતાનોની અસલ માર્કશીટ વિશાલ પટેલને આપીને ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા કરાવવા માટે આપી હતી. આ માટે ત્રણ-ત્રણ લાખ વિશાલ પટેલને એડમિશન કરાવવા માટે ચૂકવ્યા હતા. સીઆઈડી ક્રાઈમે આ અંગે વધુ તપાસ કરતા ઘટસ્ફોટ થયો કે, વિશાલ પટેલે બંને વિદ્યાર્થીઓની ડુપ્લિકેટ માર્કશીટ સહિતની ફાઇલ તૈયાર કરી શિવાલિક પ્લાઝામાં ઓફિસ ધરાવતા એજન્ટને સ્ટુડન્ટ વિઝા કરાવવા માટે મોકલી આપી હતી.


