રીક્ષા ચાલક અને બસ ચાલકના ડખ્ખામાં મુસાફરો હેરાન : રસ્તા પર ટ્રાફિક જામ
શહેરના ત્રિકોણ બાગ ખાતે રીક્ષા ચાલક અને સીટી બસ ચાલકો વચ્ચે મારામારી થતાં સીટી બસ ચાલકોએ કોઇપણ જાતની આગોતરી ચેતવણી દીધા વિના રસ્તા પર બસો મુકી દઇ વીજળી હડતાલ પાડી દેતા સમગ્ર શહેરના મુસાફરો બાનમાં આવ્યા હતાં. બીજી બાજુ રસ્તાઓ પર બસો આડેધડ મુકી દેવાતા અને ચાલકોએ રસ્તાઓ પર દેખાવો શરૂ કરી દેતા ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઇ હતી.
છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રીક્ષા ચાલકો અને સીટી બસના ચાલકો દ્વારા મુસાફરો પર હુમલા કરવાના બનાવ તથા અંદરો અંદર રસ્તા પર ઝઘડાના બનાવમાં વધારો થયો છે. આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં ત્રિકોણ બાગ ચોક ખાતે હોર્ન મારવા જેવી નજીવી બાબતે રીક્ષા ચાલકે એક સીટી બસ ચાલક પર હુમલો કરતાં ત્રિકોણ બાગ ચોકે જે-જે સીટી બસો આવી તેના ચાલકો બસ મુકી વીજળીક હડતાલ પર ઉતરી ગયા હતા. જો કે તંત્રની દરમિયાનગીરી બાદ હડતાલ પાછી ખેંચી લેવાઇ હતી.


