- આવકવેરાની નોટિસ સામે મનાઇ હુકમનો હાઇકોર્ટનો ઇનકાર અત્યારસુધી ઊંઘી ગયા હતા
- દિલ્હી હાઇકોર્ટ તરફથી કોંગ્રેસને એક વધુ આંચકો લાગ્યો છે.
- સ્ટે લેવા ગયેલી કોંગ્રેસને હાઇકોર્ટની ફટકાર
દિલ્હી હાઇકોર્ટ તરફથી કોંગ્રેસને એક વધુ આંચકો લાગ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આવકવેરા વિભાગે પક્ષ પાસેથી રૂપિયા 105 કરોડની વસૂલી માટે પાઠવેલી નોટિસ સામે મનાઇહુકમ ફરમાવવાની માગણી સાથે કોંગ્રેસ દ્વારા દાખલ થયેલી અરજીને ફગાવી દીધી છે. દિલ્હી હાઇકોર્ટે આઇટીએટીના ચુકાદાને યથાવત રાખ્યો છે. દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસને આઇટીએટીમાં ફરી રજૂઆત કરવા સૂચવ્યું છે.કોંગ્રેસ આ કેસમાં હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમમાં અપીલ કરે તેવી સંભાવના છે.
હાઇકોર્ટે ગઇકાલે પણ કોંગ્રેસ પક્ષને આંચકો આપ્યો હતો. હાઇકોર્ટે કોંગ્રેસને જણાવ્યું હતું કે શું ત્રણ વર્ષથી સૂઇ ગયા હતા? આવકવેરા અપીલ ટ્રિબ્યૂનલે કોંગ્રેસની અપીલ અરજીનો અસ્વીકાર કરતાં કોંગ્રેસ હાઇકોર્ટ પહોંચી હતી. ટ્રિબ્યૂનલે કોંગ્રેસને રૂપિયા 105 કરોડના બાકી લેણા વસૂલી માટે 8 માર્ચના રોજ નોટિસ પાઠવી હતી.કોંગ્રેસે હાઇકોર્ટને હસ્તક્ષેપ કરવા વિનંતી કરતાં કહ્યું હતું કે તે હસ્તક્ષેપ નહીં કરે તો તેને નાણાકીય વ્યવહારો સંભાળવા મુશ્કેલ બની જશે.
આઈટી ટ્રિબ્યૂનલનો આદેશ યોગ્ય
જસ્ટિસ યશવંત વર્મા અને પુષ્પેન્દ્રકુમાર કૌરવની બેન્ચે ગઇકાલે એમ કહીને ચુકાદો અનામત રાખ્યો હતો કે આવકવેરા અપીલ ટ્રિબ્યૂનલના આદેશમાં કોઇ ખામી મળી આવી નથી. કોર્ટે તે પણ વિચાર્યું કે કોંગ્રેસ વિરુદ્ધ કાર્યવાહી વર્ષ 2021માં શરૂ થઇ હતી. કોર્ટે તેથી કોંગ્રેસને કડક શબ્દોમાં કહ્યું હતું કે શું અત્યારસુધી ઊંઘી ગયા હતા? બેન્ચે ગઇકાલે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે અરજદારનો પોતાનો દોષ છે. કેસ વર્ષ 2021નો છે.


