- LICના કર્મચારીઓને મોદી સરકારે હોળી પર્વની આપી ભેટ
- કેન્દ્રએ LICના 1 લાખથી વધુ કર્મચારીઓના મૂળ પગારમાં 17% વધારા
- પગાર વધારો 22 ટકા સુધીનો રહેશે
LICના કર્મચારીઓને મોદી સરકારે હોળી પર્વની ભેટ આપી છે. કેન્દ્રએ LICના 1 લાખથી વધુ કર્મચારીઓના મૂળ પગારમાં 17% વધારો કર્યો છે. પગાર વધારો ઓગસ્ટ 2022 થી લાગુ થશે અને ભથ્થાઓ સહિત, પગાર વધારો 22 ટકા સુધીનો રહેશે.
કર્મચારીઓ માટે વળી પાછા સારા સમાચાર છે. મોદી સરકારે LIC કર્મચારીઓના ઓવરઓલ પગારમાં 17 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. તેનાથી લગભગ એક લાખ કર્મચારીઓ અને 30,000 પેન્શનર્સને સીધો ફાયદો થશે. રિપોર્ટ મુજબ આ વધારો ઓગસ્ટ 2022થી લાગૂ ગણાશે. આ વધારાથી કંપની પર વાર્ષિક 4000 કરોડ રૂપિયાનો બોજો પડશે. 15 માર્ચના રોજ બીએસઈ પર એલઆઈસીના શેર 3.4 ટકા ગગડીને 926 પર બંધ થયા હતા.
LICએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે એક ઓગસ્ટ 2022થી 1.10 લાખ કર્મચારીઓ માટે 17 ટકા પગાર વધારા પર મંજૂરી આપી દીધી છે. આ વધારા સાથે જ એલઆઈસીના કર્મચારીઓને બે વર્ષના પગારનું એરિયર પણ મળશે. એલઆઈસીના કર્મચારીઓના પગાર વધારાના નિર્ણયથી વાર્ષિક 4000 કરોડનો નાણાકીય બોજો પડશે. આ સાથે જ એલઆઈસીનો પગારનો ખર્ચો પણ વધીને 29000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
એનપીએસમાં વધ્યું યોગદાન
કેન્દ્ર સરકારે એલઆઈસીના કર્મચારીઓ માટે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાનને 10 ટકાથી વધારીને 14 ટકા કરી દીધુ છે જેનાથી એવા 24000 કર્મચારીઓને મોટો ફાયદો થશે જેમણે 1 એપ્રિલ 2010ની આજુબાજુ જોઈન કર્યું છે.


