- માતાએ બોરસદ શહેર પોલીસ મથકે શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
- માતાએ બોરસદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી
- પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી
બોરસદ શહેરની ઈશ્વરકૃપા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી એક 10 વર્ષની વિદ્યાર્થિનીને વાંચતા આવડતું ના હોઈ શિક્ષકે બરડાના ભાગે ધબ્બા મારતાં તેણીને ઈજાઓ થતાં આ અંગે તેની માતાએ બોરસદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ફરિયાદી જીગીશાબેન મહેશભાઈ પઢિયાર બોરસદ ખાતે રહે છે. તેમની 10 વર્ષની પુત્રી વૈષ્ણવી ઈશ્વરકૃપા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરે છે. તેણીને શાળાએ જવાનું હોઈ જીગીશાબેન તેણીને નવડાવતા હતા ત્યારે બરડાના ભાગે હાથ ફેરવતાં જ તેણી રડવા લાગી હતી. જેથી જીગીશાબેને તપાસ કરતાં બરડાના ભાગે ધબ્બા પડી ગયેલા જોવા મળ્યા હતા. જેથી પોતાની પુત્રીની પૂછપરછ કરતાં શાળાના શિક્ષિકાએ તેણીને માર માર્યાનું જણાવ્યું હતું. તેણીને વિશ્વાસમાં લઈને વધુ પૂછપરછ કરતાં ગત 12મી તારીખના રોજ સવારના 11 કલાકે શિક્ષિકા સંગીતાબેન દિલીપભાઈ પઢિયારે તેણીને મોબાઈલમાં ફકરો વાંચવા માટે આપ્યો હતો. પરંતુ તેણી વાંચી શકી નહોતી. જેથી સંગીતાબેન એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેણીને બરડાના ભાગે હાથથી ધબ્બા માર્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી આ અંગે શાળાના પ્રિન્સિપાલને ફરિયાદ કર્યા બાદ તેણી બોરસદ શહેર પોલીસ મથકે પહોંચી હતી અને શિક્ષિકા વિરૂદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


