- અમરેલી-બાબરાના થોરખાણ ગામે વીજવાયર પડકતા દંપતિનું મોત
- ઈજાગ્રસ્ત પુત્રને સારવાર હેઠળ રાજકોટ ખસેડાયો
- પોલીસે સમગ્ર ઘટનાને લઈ હાથધરી તપાસ
અમરેલી જિલ્લાના થોરખાણ ગામે વાડીમાં ખેતીકામ કરી રહેલા પતિ-પત્ની તેમજ તેમના યુવાન પુત્ર ઉપર અચાનક જીવંત વીજ વાયર પડતા ત્રણેયને કરંટ લાગ્યો હતો. તે પૈકી દંપતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રને જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. સમગ્ર બનાવની વાત કરીએ તો જસદણના થોરખાણ ગામે રહેતા અને ખેતીકામ કરતા વનરાજભાઈ બચુભાઈ ચારોલીયા અને તેમના પત્ની રેખાબેન તેમજ તેમનો 18 વર્ષીય પુત્ર વિશાલ બપોરના સમયે વાડીમાં ખેતીકામ કરતા હતા, ત્યારે ત્રણેય વ્યક્તિ પર અચાનક વીજ તાર પડતા ચોંટી ગયા હતા.
બનાવની જાણ મૃતકના ભત્રીજાને થઈ
જેમાં વનરાજભાઈ અને તેમના પત્ની રેખાબેનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પુત્રને તાત્કાલિક જસદણની હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃતક વનરાજભાઈનો ભત્રીજો ઘનશ્યામ બાબુભાઈ ચારોલીયા બપોરના સમયે તેના કાકાને જમવાનું આપના ગયો, ત્યારે તેમના કાકા સહિતના ત્રણેય લોકો વીજતાર સાથે ચોટેલા નજરે પડતા તાત્કાલિક અન્ય લોકોને જાણ કરી હતી.તો લોકો દોડી આવ્યા હતાં અને સાથે પોલીસને પણ જાણ કરાઈ હતી.
ડોકટરે મૃત જાહેર કર્યા
બાદમાં ત્રણેય લોકોને તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર તબીબે દંપતીને મૃતક જાહેર કરતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. મૃતક વનરાજભાઈ ભાગીયું રાખી ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ સ્ટાફ સરકારી હોસ્પિટલે પહોંચી મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ આગળની જરૂરી કાર્યવાહી હાથધરી હતી.



