- સુપ્રીમ કોર્ટના CJI ડી.વાય.ચંદ્રચૂડે વરિષ્ઠ વકીલ પર ભડક્યાં
- અદીશ અગ્રવાલે ચૂંટણી બોન્ડને ગેરકાયદે જાહેર કરવાના ચુકાદાની સમીક્ષાની માગ કરી
- SBIને ફટકાર લગાવતાં 21 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડને લગતી તમામ વિગતો જાહેર કરવા આદેશ
ચૂંટણી બોન્ડ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડે એક સિનિયર એડવોકેટને જોરદાર ફટકાર લગાવી હતી. અહેવાલ અનુસાર વકીલે બોન્ડ મામલે કોર્ટના ચુકાદાની સુઓ મોટો રિવ્યૂ કરવાની માગ કરી હતી. જોકે ટોચની કોર્ટે સોમવારે SBIને ફટકાર લગાવતાં 21 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડને લગતી તમામ વિગતો જાહેર કરી દેવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આજે SBIને 21 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ માહિતી સાર્વજનિક કરવા કહ્યું છે, જેની સુનાવણી દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો. ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI DY ચંદ્રચુડ) DY ચંદ્રચુડ આજે એક વરિષ્ઠ વકીલના શબ્દોથી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. CJI એ તો એમ પણ કહ્યું કે, “હવે મારું મોઢું ના ખોલાવતા…તમને ગમશે નહીં”.
વરિષ્ઠ વકીલ પર SCના CJI કેમ ખખડાવ્યા?
મળતી માહિતી મુજબ એડવોકેટ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના (SCBA) અધ્યક્ષ અદીશ અગ્રવાલે ચૂંટણી બોન્ડને ગેરકાયદે જાહેર કરવાના ચુકાદાની સમીક્ષા કરવાની માગ કરી હતી. આ મામલે સીજેઆઈએ કહ્યું કે વરિષ્ઠ વકીલ હોવા ઉપરાંત તમે એસસીબીએના અધ્યક્ષ પણ છો. તમે પબ્લિસિટી માટે આ પત્ર લખ્યો છે. અમે તેના પર ધ્યાન જ આપવા નથી માગતા. મને વધારે કહેવા માટે મજબૂર ના કરશો. તમને પછી સાંભળવામાં મજા નહીં આવે તેવી ઉગ્ર બોલાચાલી થઇ હતી.
અગાઉ પણ અદીશ અગ્રવાલને નીચાજોણું થયું હતું
ખાસ વાત એ છે કે સોલિસીટર જનરલ તુષાર મહેતા પણ એડવોકેટ અગ્રવાલની માગથી અંતર જાળવતા દેખાયા હતા. તેમણે કહ્યું કે અમે તેમનું સમર્થન નથી કરતાં. જોકે આ પહેલીવાર નથી. અગાઉ પણ અગ્રવાલે ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદા અંગે રાષ્ટ્રપતિ મુર્મૂને પત્ર લખ્યો હતો. અહીં સુપ્રીમકોર્ટ બાર એસોસિએશને પણ તેમના વિચારોથી અંતર જાળવી લીધું હતું અને કહ્યું હતું કે પેનલના સભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખવા માટે અગ્રવાલને કોઈ ઓથોરિટી નથી આપી.
સુપ્રીમ કોર્ટે આજે આ સૂચના આપી
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની બેન્ચે આજે SBIને અધૂરી માહિતી આપવા બદલ ઠપકો આપ્યો હતો અને ઈલેક્ટોરલ બોન્ડના અનન્ય આલ્ફાન્યૂમેરિક નંબરો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે SBI ચેરમેનને 21 માર્ચ સુધીમાં તમામ માહિતી સાર્વજનિક કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, બેંક પસંદગીપૂર્વક માહિતી શેર કરી શકે નહીં. ખંડપીઠે બેંકને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ પણ આપ્યો હતો કે તેણે તમામ માહિતી શેર કરી છે.


