પગારની અદાવતના હુમલા કેસમાં અદાલતે બે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
પુરાવામાં વિરોધાભાસ અને શંકાસ્પદ સંજોગોને આધારે સેશન્સ કોર્ટનો નિર્ણય
અગ્ર ગુજરાત, રાજકોટ
પગારની લેવડદેવડ અને નોકરી દરમિયાન થયેલી કથિત અદાવતના ખારથી સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો કર્યાના કેસમાં નામદાર સેશન્સ અદાલતે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે કેસના પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીનું મૂલ્યાંકન કર્યા બાદ આરોપો શંકાથી પર સાબિત ન થતા બંનેને શંકાનો લાભ આપ્યો હતો.
કેસની વિગતો મુજબ 2 જાન્યુઆરી, 2023ના રોજ મનોજભાઈ બાબુભાઈ ચાવડા પેટ્રોલ પંપ પર ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ખેતલાઆપા ચા સ્ટોલ પાસે તેઓ રોકાયા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં મનોજભાઈના ડાબા હાથમાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ દરમિયાન શંભુભાઈ માધાભાઈ સાપરા અને તેજો ઉર્ફે સાગરભાઈ ધુડાભાઈ શિયાળીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં અગાઉ નોકરી અને પગારને લઈને થયેલી અદાવતના કારણે હુમલો કરાયો હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ સામે આઈપીસીની કલમ 308, 325, 188, 114 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ચાર્જશીટ રજૂ કરી હતી. જોકે ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષના વકીલ એડવોકેટ રણજીત બી. મકવાણાએ ફરીયાદી અને અન્ય સાક્ષીઓની ઊલટતપાસમાં અનેક વિરોધાભાસો દર્શાવ્યા હતા. સાથે જ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓનો આધાર લઈ રજૂઆત કરવામાં આવી હતી. અંતે સેશન્સ અદાલતે કેસમાં રજૂ થયેલા પુરાવા આરોપીઓને દોષિત ઠેરવવા માટે પૂરતા અને વિશ્વસનીય ન હોવાનું નોંધ્યું હતું. પરિણામે બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં આરોપીઓ તરફથી એડવોકેટ રણજીત બી. મકવાણા સાથે એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ. જાદવ, વિરલ કે. ચૌહાણ, ટીંકલ બાવળીયા તેમજ મદદનીશ તરીકે અભય ચાવડા, વિશાલ ડેડાણીયા, વિક્રમ કિહલા, સંજય મકવાણા અને પાર્થ રાઠોડે કાનૂની કામગીરી સંભાળી હતી.


