કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ મેળવી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ
50 વિદ્યાર્થીઓએ યુવા આપદા મિત્ર તાલીમ શિબિરમાં મેળવ્યું માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
SPIPA, રાજકોટ ખાતે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ભારત સરકાર)**ના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા સત્તા મંડળ દ્વારા આયોજિત યુવા આપદા મિત્ર યોજના (YUVA APADA MITRA SCHEME) અંતર્ગત તા. 1 થી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાયેલી સાત દિવસીય નિવાસી તાલીમ શિબિરમાં કણસાગરા કોલેજના 50 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન ગુજરાત SDRF તથા SRPના નિષ્ણાત ટ્રેનરોએ વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન, બચાવ અને રાહત કામગીરી, રોપ એન્ડ રેસ્ક્યૂ, વિવિધ પ્રકારની ગાંઠો (Knots), ઇજાગ્રસ્ત વ્યક્તિને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની પદ્ધતિ તેમજ Medical First Responder (MFR) તરીકેની જવાબદારીઓ અંગે પ્રાયોગિક તાલીમ આપી હતી. ઉપરાંત CPR, પ્રાથમિક સારવાર, દર્દીનું શારીરિક મૂલ્યાંકન તથા Emergency Medical Services (EMS) પહોંચે ત્યાં સુધીની સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકોટ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા અગ્નિસુરક્ષા, અગ્નિશામક સાધનોના ઉપયોગ અને આગ સમયે બચાવ અંગે પણ જીવંત પ્રદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતિમ દિવસે પરીક્ષા યોજાઈ હતી.
વિદ્યાર્થીઓને આ તાલીમમાં જોડાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ પલાણ તથા રમતગમત વિભાગના પ્રો. રાજેન્દ્ર સેજલીયાના માર્ગદર્શન સાથે નેહાબેને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર શિબિર માય ભારતના સ્વરૂપજી અને રાજેશ રાઠોડના સંચાલન અને દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. તાલીમ દ્વારા વિદ્યાર્થીઓમાં આપત્તિના સમયે જવાબદારીપૂર્વક કાર્ય કરવાની, પ્રાથમિક સારવાર આપવાની અને સમાજસેવાની ભાવના વધુ મજબૂત બની છે.


