ચીખલીયામાં રૂરલ એસઓજીનો દરોડો: 17 કિલોથી વધુ ગાંજા સાથે કોઠારિયાનો પેડલર ઝડપાયો
રૂ.8.72 લાખનો મુદ્દામાલ જપ્ત; સોનગઢથી ગાંજાની ખેપ લાવનાર વસીમ-નવાજ સહિત અન્ય શખ્સોની શોધખોળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામમાં રૂરલ એસઓજીએ માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં 17 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે કોઠારિયા વિસ્તારમાં રહેતો કુખ્યાત પેડલર સિરાજ હનીફ વિસર ઝડપાયો હતો. પોલીસે ગાંજા સહિત મોબાઇલ મળી કુલ રૂ.8.72 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજકોટ રૂરલ એસઓજી સતત પેટ્રોલિંગ અને વોચ રાખી રહી હતી. તે દરમિયાન ચીખલીયા ગામમાં એક રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ થતું હોવાની વિશ્વસનીય માહિતી પોલીસને મળી હતી. બાતમીને આધારે એસઓજીની ટીમે આયોજનબદ્ધ રીતે દરોડો પાડતા સ્થળ પરથી અંદાજે 17.342 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન ઝડપાયેલ સિરાજ હનીફ વિસર (ઉ.વ.23), મૂળ ચીખલીયા ગામનો હોવા છતાં હાલ રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારની નુરાનીપરામાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગાંજા ઉપરાંત તેનો મોબાઇલ ફોન પણ કબ્જે કરી કુલ રૂ.8,72,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં સિરાજે પોલીસ સમક્ષ અનેક મહત્વના ખુલાસા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તેણે કબૂલ્યું કે ગાંજાનો જથ્થો ઉપલેટાના નવાજ અશરફ મધરા અને વસીમ ઈકબાલ રફાઈ નામના શખ્સો સપ્તાહ અગાઉ સુરત નજીક આવેલા સોનગઢ વિસ્તારમાંથી લાવી તેને સોંપી ગયા હતા. ત્યારબાદ તે આ ગાંજાનું સ્થાનિક સ્તરે છૂટક વેચાણ કરતો હતો.
તપાસ દરમિયાન વધુ એક મહત્વની વિગતો પણ સામે આવી છે. વસીમ ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાથી તેને લાંબા અંતરના રૂટનો લાભ મળતો હતો. તેણે નવાજ અને અન્ય એક સાગરિત સાથે મળીને અગાઉ પણ ચાર જેટલી વખત ગાંજાની ખેપ લાવી હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ખુલાસા બાદ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. હાલમાં ફરાર નવાજ મધરા, વસીમ રફાઈ તથા અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ગાંજાનો જથ્થો મૂળ ઓડિશા તરફથી આવ્યો હતો કે નહીં અને તેનું સપ્લાય ચેઇન કેટલું વિસ્તૃત છે. સાથે જ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં આ નેટવર્ક દ્વારા અગાઉ કેટલો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો તેની પણ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહી રૂરલ એસઓજીના પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.જે. ઝાલા તથા ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના ધંધા સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા તપાસને વધુ વેગ આપવામાં આવશે.


