- કચ્છના અંજારમાં ઝુંપડપટ્ટી સળગાવી હત્યાનો પ્રયાસ
- અંજારમાં શ્રમિકોનાં 12 ઝૂંપડાં સળગાવાયા
- સામૂહિક હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો
કચ્છના અંજારમાં ઝુંપડપટ્ટી સળગાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં 12 ઝુંપડા સળગાવીને હત્યાનો પ્રયાસ થયો છે. શ્રમિકોએ કામે જવાની ના પાડતા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મજૂરી કામના નાણાં ન આપતા શ્રમિકોએ ઇન્કાર કર્યો હતો.
આરોપીઓએ પેટ્રોલ છાંટીને ઝુંપડા સળગાવી નાખ્યા
આરોપીઓએ પેટ્રોલ છાંટીને ઝુંપડા સળગાવી નાખ્યા છે. જેમાં આરોપી મહંમદ રફીકને પોલીસે ઝડપી પાડ્યો છે. અંજારના ખત્રીચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝુંપડા બાંધીને વસવાટ કરતાં પરપ્રાંતિય મજૂરોએ શહેરના કુંભાર ચોકમાં રહેતા એક કુખ્યાત શખ્સને અગાઉના મજૂરીકામના રૂપિયા બાકી હોવાથી કામ પર જવાની ના કહેતાં ઉશ્કેલાયેલા શખસે સવારમાં હજી મજૂરો મજૂરીકામ પર ગયા ન હતા હાજર હતા ત્યારે તેમના બાળકો ઝુંપડામાં સુતા હતા ત્યારે પેટ્રોલ છાંટીને નાના બાળકોને જીવતા ભુંજી નાખવાના ઈરાદે આગ ચાંપી દેતાં 10થી 12 ઝુંપડા ભડભડ સળગી ઉઠયા હતા અને ભારે નાશભાગ મચી હતી. બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને અંજાર પોલીસે ગુનો નોંધી હેવાની કૃત્ય આચરનારા શખસને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.

આરોપીએ તમામને જીવતા સળગાવી દેવાની ધમકી આપી
અંજારના ખત્રી ચોકમાં ઝુંપડામાં રહેતા બદરીલાલ ગંગારામ યાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા અન્ય લોકો વર્ષોથી અહીં ઝુંપડાઓમાં રહીને મજુરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. આ દરમ્યાન કુંભાર ચોકમાં રહેતા મહંમદ રફીક ઉર્ફે બતી હાજીકાસમ કુંભાર નામનો શખસ ઝુંપડામાં રહેતા મજુરીકામે લઈ જઈ રૂપિયા આપતો નહીં હોવાથી મજુરોએ તેનું કામ કરવાનો ઈન્કાર કર્યો હતો. આથી ઉશ્કેરાઈ ગયેલા મહંમદરફીક ઉર્ફે બતીએ તમામને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.
આરોપી મહંમદરફીક ઉર્ફે બતી હાજીકાસમ કુંભારને ઝડપી લીધો
આ દરમ્યાન આઠ વાગ્યાના અરસામાં મહંમદ રફીક ઉર્ફે બતી ખત્રી ચોકના ઝુંપડાઓ પાસે આવી ઝુંપડામાં નાના બાળકો હતા ત્યારે ઝુંપડાઓ ઉપર પેટ્રોલિયમ પદાર્થ છાંટીને તેઓને જીવતા સળગાવી નાખવા માટે આગ ચાંપી દીધી હતી. આગે વિકરાળ સ્વરૂપ લેતા ભારે નાશભાગ મચી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ રૂપ ધરતા ઝુંપડાઓ સળગીને ખાખ થઈ ગયા હતા. જોકે કોઈ નાના બાળકો કે અન્યને જાનહાની થવા પામી નહોતી. આ અંગેની ફરિયાદ પરથી અંજારના પી.આઈ. એસ.ડી. સિસોદિયા તથા સ્ટાફે ગણતરીની કલાકોમાં કુંભાર ચોકમાં રહેતા મહંમદરફીક ઉર્ફે બતી હાજીકાસમ કુંભારને ઝડપી લીધો હતો.


