- ભારત સામે બાંયો ચડાવનારા જસ્ટિન ટ્રૂડોના દેશની માઠી બેઠી
- ગત વર્ષે પણ કેનેડામાં બેન્ક્રપ્સી ફાઇલિંગમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો
- 2023માં પણ કેનેડામાં બેન્ક્રપ્સી ફાઇલિંગમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો
બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશો વર્તમાન સમયમાં મંદીની ઝપટમાં છે. જાપાન મંદીમાં સપડાતાં માંડ બચ્યું છે પણ હવે કેનેડાને મંદીએ ભરડો લીધો છે. કેનેડામાં નાદારી માટે અરજી કરતી કંપનીઓની સંખ્યા ઝડપભેર વધી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ 800થી વધુ કંપનીઓ નાદારી માટે અરજી કરી ચૂકી છે. 2023માં પણ કેનેડામાં બેન્ક્રપ્સી ફાઇલિંગમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કેનેડામાં હાલ બેન્ક્રપ્સી માટે અરજી કરી રહેલી કંપનીઓનો આંકડો છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ છે. કોરોનાકાળમાં કંપનીઓને વગર વ્યાજે 45-45 હજાર ડોલરની લોન અપાઇ હતી, જેની પરત ચુકવણીની સમયમર્યાદા જાન્યુઆરી, 2024માં પૂરી થઈ હતી. કેનેડાના જીડીપીમાં નાની કંપનીઓની અંદાજે 33 ટકા હિસ્સેદારી છે.
ગત વર્ષે કેનેડાના રાષ્ટ્રપ્રમુખ જસ્ટિન ટ્રૂડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢયા હતા. ગત સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં જી-20 સમિટ વખતથી બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો હતો.
સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રૂડો વચ્ચે મુલાકાતમાં મોદીએ ટ્રૂડોને કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ રોકવા માટે પૂરતા પગલાં ભરવા જણાવ્યું હતું. જોકે ટ્રૂડો જી-20 સમિટ બાદ કેનેડા પરત ફરતાની સાથે જ ખૂબ આક્રમક જણાતા હતા. તેમણે ભારત પર કેનેડાના રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે નિજ્જરની હત્યાનો મુદ્દો પણ ઉઠાવતાં કહ્યું હતું કે તે કેનેડાનો નાગરિક હતો અને તેની હત્યા ભારત દ્વારા કરવામાં આવી હતી.
વર્તમાનમાં કેટલા દેશોમાં મંદીનું મોજું?
હાલ બ્રિટન સહિત વિશ્વના કુલ 8 દેશ મંદીમાં ફસાયેલા છે, જેમાં ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ, મોલ્ડોવા, પેરુ અને આયરલેન્ડનો સમાવેશ થાય છે. તેમાંથી 6 દેશો યુરોપના છે. આ યાદીમાં આફ્રિકા અને ઉત્તર અમેરિકાનો કોઈ દેશ નથી. જાપાન મંદીમાંથી માંડમાંડ બચ્યું છે. અન્ય ઘણા દેશોમાં પણ મંદીનું જોખમ તોળાઈ રહ્યું છે, જેમાં જર્મની પણ સામેલ છે. યુરોપનું આ સૌથી મોટું અર્થતંત્ર ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. ચીનમાં પણ સ્થિતિ સતત વણસી રહી છે. અમેરિકાનું દેવું પણ સતત વધી રહ્યું છે અને તે જીડીપીના 125 ટકાથી વધુ થઈ ગયું છે.


