- અરુણાચલ પ્રદેશને લઈને ચીનની વધુ એક ચાલાકી
- ચીનની ચાલાકીને વિદેશ મંત્રીનો જડબાતોડ જવાબ
- સેનાને ખબર છે તેણે LAC પર શું કરવાનું છે: જયશંકર
ઉત્તર પૂર્વના અરુણાચલ પ્રદેશ પર દાવાને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનને આકરા શબ્દોમાં ઉત્તર પૂર્વના અરુણાચલ પ્રદેશ પર દાવો કરવા માટે ચીનને ડોઝ આપ્યો છે. સોમવારે 1 એપ્રિલના રોજ ગુજરાતના સુરત શહેરમાં તેમણે કહ્યું, “”જો આજે હું તમારા ઘરનું નામ બદલી દઉં તો, તો શું તે મારું ઘર થઈ જશે? અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું, છે અને રહેશે. નામ બદલવાથી કંઈ નહિ થાય અને તેનાથી કોઈ અસર પણ નહીં થાય. તમે બધા જાણો છો કે આપણી સેના એલએસી પર તૈનાત છે. સેનાના લોકો જાણે છે કે તેમણે ત્યાં શું કરવાનું છે.”
એસ. જયશંકરની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સોમવારે જ બેઇજિંગે ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશના જુદા જુદા 30 સ્થળોના નવા નામોની ચોથી યાદી બહાર પાડી છે. કાર્યક્રમ દરમિયાન પત્રકારે વિદેશ મંત્રીને આ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો, જેના પર તેમણે ચીનને અરીસો બતાવ્યો હતો. જો કે, ભારત અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ડ્રેગનના પ્રયાસોને નકારી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ રાજ્ય દેશનો અભિન્ન અંગ છે અને તેને “કાલ્પનિક” નામ રાખવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં.
અરુણાચલ પ્રદેશને ‘જંગનાન’ તરીકે ઓળખાવે છે ચીન
ચીનના સરકારી મીડિયાના અહેવાલ અનુસાર, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે ‘જંગનાન’માં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યાદી બહાર પાડી. ચીન અરુણાચલ પ્રદેશને ‘જંગનાન’ કહે છે અને રાજ્યને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે. મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર પ્રદેશ માટે 30 વધારાના નામો પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ યાદી 1લી મેથી લાગુ થશે. ત્યાંના મંત્રાલયે 2017માં “જંગનાન”માં છ સ્થળોની “માનકકૃત નામો”ની પ્રથમ યાદી બહાર પાડી હતી, જ્યારે 15 સ્થળોની બીજી યાદી 2021માં બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ 2023માં 11 સ્થળોના નામ સાથે બીજી યાદી બહાર પાડવામાં આવી હતી.


