શહેરમાં સ્વચ્છતા, સુરક્ષા અને લાઇટીંગ વ્યવસ્થામાં ફેરફાર કરવા કોર્પોરેટરની માંગ
વોર્ડ નં.૧૧ના નગરસેવક ડો.પરેશ ઠાકરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાની લાઇટિંગ સમિતિના ચેરમેન તથા વોર્ડ નં. 1ના કોર્પોરેટર ડો. પરેશ ઠાકરે રાજકોટ શહેરની જાહેર સુવિધાઓને વધુ આધુનિક, સુરક્ષિત અને જનકેન્દ્રિત બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને વિગતવાર રજૂઆત કરી છે. તેમણે શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને લાઇટિંગ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારાત્મક પગલાં ભરવાની માંગ કરી છે.
ડો.પરેશ ઠાકરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સ્વનિર્ભર ભારત”ના વિઝનને અનુરૂપ રાજકોટ શહેરમાં ઊર્જા બચત, આધુનિક ટેકનોલોજી અને જનસુરક્ષાને પ્રાધાન્ય આપતી લાઇટિંગ વ્યવસ્થા વિકસાવવી સમયની માંગ છે.
રજૂઆતમાં શહેરના તમામ વોર્ડ ઓફિસો, બગીચાઓ, રમત-ગમતના મેદાનો, સ્મશાનગૃહો, સિવિક સેન્ટરો, ઝોન ઓફિસો, આરોગ્ય કેન્દ્રો, બી.આર.ટી.એસ. રૂટ, બસ પાર્કિંગ, રેલવે સ્ટેશન તેમજ અન્ય જાહેર સ્થળોએ પૂરતી સોલાર અને એલ.ઈ.ડી. લાઇટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત સમગ્ર શહેરમાં વધુ પ્રમાણમાં હાઈમાસ્ટ લાઇટો સ્થાપવા, નવા વિકસતા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટોની સંખ્યા વધારવા તેમજ શહેરના પ્રવેશદ્વારોને આધુનિક લાઇટિંગ સાથે આકર્ષક બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. શહેરના મુખ્ય પર્યટન સ્થળો, બગીચાઓ, રામનાથ મહાદેવ મંદિર, રામવન પાર્ક, પ્રધુમન પાર્ક (ઝૂ) સહિતના સ્થળોને રોશનીથી ઝગમગતા બનાવી રાજકોટને પર્યટન અને વિકાસની નવી ઓળખ અપાવવાનો પણ સૂચન કરવામાં આવ્યું છે.
ડો. પરેશ ઠાકરે રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે લાઇટિંગ પાછળ નોંધપાત્ર ખર્ચ કરવામાં આવે છે. તેથી સોલાર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરીને વીજળીના ખર્ચમાં ઘટાડો થાય તેમજ પર્યાવરણને અનુકૂળ વિકાસને વેગ મળે તે દિશામાં આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવી જરૂરી છે.
તેમણે લાઇટિંગ વિભાગમાં જવાબદારી નિશ્ચિત કરવા, ક્વોલિફાઇડ અધિકારીઓને જવાબદારી સોંપવા અને સમગ્ર લાઇટિંગ વ્યવસ્થાના નિયમિત દેખરેખ, નિરીક્ષણ અને ફરિયાદોના ઝડપી નિકાલ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરી છે.
અંતમાં ડો. પરેશ ઠાકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રજૂ કરાયેલા સૂચનોનો તાત્કાલિક અમલ કરવામાં આવશે તો રાજકોટ શહેરની જનસુવિધાઓમાં ગુણાત્મક વધારો થશે, શહેર વધુ સુરક્ષિત, સ્વચ્છ, ઊર્જા કાર્યક્ષમ અને આધુનિક બનશે તેમજ રાજકોટના વિકાસને નવી દિશા મળશે.


