નાનામોવા હત્યાકાંડમાં ફરાર પિતા-પુત્રને ક્રાઈમ બ્રાન્ચે સરધારથી દબોચ્યા
ફાયરિંગ દરમિયાન મુખ્ય આરોપીને જ પોતાના પગમાં ગોળી વાગી હતી; પુત્રના ફોન બાદ હથિયાર લઈને ઘટનાસ્થળે પહોંચ્યાની કબૂલાત
ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી કાર્યવાહી કરી ; આજે રિમાન્ડ મંગાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના નાનામવા ગામમાં ક્ષત્રિય યુવાન અને પોલીસકર્મીના ભત્રીજા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજાની જાહેરમાં ગોળી મારી હત્યા કરવાના ચકચારી કેસમાં શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થયેલા મુખ્ય આરોપી રણજીત વાળા, તેના પુત્ર રાજવીર વાળા અને એક સગીર પુત્રને સરધાર નજીક રાજકોટ-ભાવનગર હાઇવે પરથી ઝડપી લેવામાં આવ્યા છે. હાલ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઘટનાની શરૂઆત નજીવી બોલાચાલી અને મારામારીથી થઈ હતી. આરોપીના પુત્રોએ પિતા રણજીત વાળાને ફોન કરીને પોતાની સાથે મારામારી થયાની જાણ કરી હતી. તે સમયે રણજીત ઘરે જમવા બેઠો હતો. ફોન મળતા જ તે ભારે ઉશ્કેરાઈ ગયો અને હથિયાર સાથે સીધો નાનામવા વિસ્તારમાં પહોંચી ગયો હતો. પોલીસ સમક્ષ તેણે કબૂલ્યું હોવાનું જાણવા મળે છે કે, તે ગુસ્સામાં જ જાનથી મારી નાખવાના ઇરાદે નીકળ્યો હતો.
ઘટનાસ્થળે પહોંચ્યા બાદ બંને પક્ષ વચ્ચે ફરી ઉગ્ર તકરાર થઈ હતી. આ દરમિયાન રણજીત વાળાએ બંદૂકમાંથી ગોળીબાર શરૂ કર્યો હતો. બચાવ કરવાનો પ્રયાસ કરી રહેલા કૃષ્ણસિંહ જાડેજાએ આરોપીને ધક્કો મારતાં તે નીચે પટકાયો હતો. તે સમયે થયેલા મિસ ફાયર દરમિયાન ગોળી રણજીતના જ પગમાં વાગી ગઈ હતી. જોકે, તે ફરી ઊભો થયો અને કૃષ્ણસિંહના માથાના ભાગે નજીકથી ગોળી મારી દેતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વચ્ચે પડેલા મૃતકના કૌટુંબિક દાદા રહેવરસિંહ જાડેજાને પણ બંદૂકના કુંદાથી માથામાં ગંભીર ઇજા પહોંચાડી ત્રણેય આરોપી ત્યાંથી કારમાં ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી આરોપીઓના હલનચલન પર નજર રાખવામાં આવી હતી.
આખરે મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરધાર નજીકથી કારમાં ભાગી રહેલા રણજીત વાળા, તેના પુત્ર રાજવીર વાળા અને એક સગીર પુત્રને ઝડપી લીધા હતા. મુખ્ય આરોપી રણજીત પોતાના પગમાં ગોળી વાગવાને કારણે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ તેને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બંને આરોપીઓની પણ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પોલીસ હવે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક લાઇસન્સવાળી હતી કે નહીં, તેનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં થયો અને આરોપીઓએ અગાઉથી હુમલાનું કોઈ આયોજન કર્યું હતું કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે. આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મુખ્ય આરોપી હાથમાં બંદૂક લઈને ઝપાઝપી કરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ફૂટેજમાં એ પણ જોવા મળે છે કે ગોળીબાર દરમિયાન એક માસૂમ બાળક પોતાના પિતા પર થઈ રહેલા હુમલાનો ભયાનક દૃશ્ય જોઈ ગભરાઈને ઘરની અંદર દોડી જાય છે. મૃતકના પરિવારની મહિલાઓ આરોપીને શાંત પાડવાનો પ્રયાસ કરતી હોવા છતાં તે કોઈની વાત સાંભળ્યા વિના ગોળીબાર કરતો રહે છે. આ દૃશ્યોએ સમગ્ર ઘટનાની ક્રૂરતા વધુ સ્પષ્ટ કરી છે.
તપાસ દરમિયાન એવી વિગતો પણ સામે આવી છે કે મુખ્ય આરોપી રણજીત વાળા મૂળ અમરેલી જિલ્લાના મોટા દેવાળિયા ગામનો વતની છે અને હાલમાં રાજકોટના નવલનગર વિસ્તારમાં રહે છે. અગાઉ તે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જુગારની ક્લબ ચલાવતો હોવાની તેમજ તેની સામે પ્રોહિબિશન સહિતના કેટલાક ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી પણ પોલીસને મળી છે. તેના ગુનાહિત ભૂતકાળની પણ તપાસ ચાલી રહી છે.
આ બનાવ બાદ વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો હોસ્પિટલ તથા પોલીસ મથકે પહોંચ્યા હતા. પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હાલ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસ તમામ વૈજ્ઞાનિક પુરાવા, સીસીટીવી ફૂટેજ, આરોપીઓના નિવેદનો અને ફોરેન્સિક તપાસના આધારે ચાર્જશીટ મજબૂત બનાવવા કામગીરી કરી રહી છે. સાથે જ હત્યા પાછળનું ચોક્કસ કારણ, અગાઉનો કોઈ વિવાદ અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


