કાચ ફોડી, મેગ્નેટથી લોક તોડી અને મોબાઈલ એપથી કાર સ્ટાર્ટ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હાઈ-ટેક વાહનચોર ટોળકીનો પર્દાફાશ
રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા; ત્રણ ચોરાયેલી કાર સહિત રૂ. 11.90 લાખનો મુદ્દામાલ કબજે, ગુજરાતના ત્રણ જિલ્લાની કાર ચોરીના ગુનાઓ ઉકેલાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કાર ચોરી કરતી હાઈ-ટેક વાહનચોર ટોળકીનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા કારની નવી ચાવી પ્રોગ્રામ કરી પળવારમાં વાહન સ્ટાર્ટ કરીને ફરાર થઈ જતાં બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ત્રણ ચોરાયેલી કાર મળી આવી છે, જેની કુલ કિંમત રૂ. 11.90 લાખ જેટલી થાય છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક અને ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અને વાહનચોરીના બનાવો ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો સક્રિય હતી. એસીપી (ક્રાઈમ) બી.બી. બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને ચિરાગ જાદવની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન પોલીસે રાજસ્થાનના પાલી જિલ્લાના મેઘવાલ વાસમાં રહેતા મુકેશ મોહનલાલ મેઘવાલ (ઉ.વ. 31) અને જોધપુર જિલ્લાના પીપાડ વિસ્તારના સદ્દામ ઉર્ફે છોટીયો યુસુફખાં (ઉ.વ. 36)ને ઝડપી લીધા હતા. બંને પાસેથી ચોરીની ત્રણ કાર કબજે કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં રેકી કરીને એકાંતમાં પાર્ક કરેલી કારોને નિશાન બનાવ્યાની કબૂલાત આપી હતી. તપાસમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ સ્ટેશન, જામનગર સિટી ‘બી’ ડિવિઝન તથા મહેસાણાના ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કાર ચોરીના ત્રણ ગુનાઓ પણ ઉકેલાયા હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આરોપીઓ પહેલા કારનો કાચ ફોડી અંદર પ્રવેશતા, ત્યારબાદ હાઈબ્રિડ મેગ્નેટની મદદથી સ્ટીયરિંગનું વ્હીલ લોક તોડી નાખતા હતા. ત્યાર પછી સ્ટીયરિંગ નીચેના વાયર સાથે ખાસ બ્લૂટૂથ ડિવાઇસ જોડીને તેને મોબાઈલ સાથે કનેક્ટ કરતા હતા. મોબાઈલમાં રહેલી ‘ડાયોઝોન પ્રો’ એપ્લિકેશન દ્વારા કારના સોફ્ટવેરમાં નવી ચાવી પ્રોગ્રામ કરી વાહન સ્ટાર્ટ કરીને મિનિટોમાં સ્થળ પરથી ફરાર થઈ જતા હતા. આ સમગ્ર મોડસ ઓપરેન્ડીથી સ્પષ્ટ થાય છે કે વાહનચોરો હવે પરંપરાગત રીતોને બદલે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોરીને અંજામ આપી રહ્યા છે. પોલીસ હવે આરોપીઓ પાસેથી અન્ય વાહનચોરીના ગુનાઓ અંગે પણ સઘન પૂછપરછ ચલાવી રહી છે.


