ગોંડલ જેલમાં કેદીઓનો ત્રાસ ચરમસીમાએ
ચોરીના આરોપીએ ગળે લોખંડનું પતરું મારી આપઘાતનો પ્રયાસ કર્યો
રાત્રે ઉંદર-વંદા ફેંકી પરેશાન કરતા ત્રણ કેદીઓ સામે ફરિયાદ કરતાં જાનથી મારી નાંખવાની ધમકી, ઘવાયેલા કેદીને હોસ્પિટલ ખસેડાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ સબ જેલમાં કેદીઓ વચ્ચેના ત્રાસ અને દાદાગીરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બેરેકમાં સાથે રહેલા ત્રણ કેદીઓ દ્વારા સતત હેરાનગતિ અને ધમકીઓથી કંટાળીને ચોરીના ગુનામાં કેદ એક યુવકે ગળાના ભાગે લોખંડનું પતરું ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઇજા પહોંચતા જેલ તંત્રએ તેને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ગોંડલ બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપી કેદીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ વિરપુરના જલારામનગરમાં રહેતા 30 વર્ષીય અરવિંદભાઈ ધીરુભાઈ રાઠોડ હાલમાં ગોમટા અને કોટડા સાંગાણી પોલીસ મથકના ચોરીના ગુનાઓમાં ગોંડલ સબ જેલમાં છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે બેરેક નંબર-3, વોર્ડ નંબર-2માં સાથે રહેલા અજય ઉર્ફે ટીડો ચના સાકરીયા, ભાવિક ઉર્ફે પકો ઉર્ફે ગાંધી છગન પરમાર અને દિલીપ ભરત રાઠોડ વારંવાર તેને પરેશાન કરતા હતા. આરોપ છે કે રાત્રિના સમયે ત્રણેય કેદીઓ ઈરાદાપૂર્વક તેની તરફ ઉંદર અને વંદા છોડતા હતા, જેના કારણે તે ડરના માહોલમાં ઊંઘી શકતો નહોતો. તેણે અનેક વખત આવું ન કરવા સમજાવ્યું છતાં કોઈ ફેર ન પડતાં બીજા દિવસે સવારે ફરજ પરના જેલ સિપાઈને સમગ્ર હકીકત જણાવી હતી. જેલ કર્મચારીએ ત્રણેય કેદીઓને ઠપકો આપતાં તેઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા.
ફરિયાદ અનુસાર, ત્યારબાદ ત્રણેય કેદીઓએ અરવિંદભાઈને ધમકી આપી હતી કે, “જેલ સિપાઈ પાસે ફરિયાદ કેમ કરી? પાછો બેરેકમાં તો અમારી સાથે જ આવવાનો છે,” તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી.
આ ધમકી અને સતત માનસિક ત્રાસથી ભયભીત બનેલા અરવિંદભાઈએ સવારે બેરેક બહાર પડેલું લોખંડનું પતરું ઉઠાવી પોતાના ગળાના ભાગે મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગળામાંથી લોહી વહેવા લાગતાં અન્ય કેદીઓ અને જેલ સ્ટાફ દોડી આવ્યા હતા. જેલ સિપાઈ મિલનભાઈ બારડ સહિતના કર્મચારીઓએ તાત્કાલિક તેને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન અરવિંદભાઈએ સત્તાવાર ફરિયાદ નોંધાવતાં ગોંડલ બી ડિવિઝન પોલીસે અજય ઉર્ફે ટીડો ચના સાકરીયા, ભાવિક ઉર્ફે પકો ઉર્ફે ગાંધી છગન પરમાર અને દિલીપ ભરત રાઠોડ સામે ધમકી અને હેરાનગતિ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેલની અંદર કેદીઓ વચ્ચેની દાદાગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.


