સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે આકાશી આફત વરસી
સોરઠમાં મેઘતાંડવ: માંગરોળ-માળિયામાં જળપ્રલય
માંગરોળમાં એક જ દિવસમાં ૨૫, માળિયાહાટીનામાં ૧૯ અને મેંદરડા-કેશોદમાં 13-13 ઈંચ પાણી પડ્યું: માંગરોળમાં બે દિવસમાં ૧૦3 ટકા વરસાદ
સોરઠ પંથકમાં જળના પ્રકોપથી અનેક ગામડાઓ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા થયા: નોડી, નાગડી, હુસેનાબાદ સહિતની નદીઓમાં ઘોડાપુર
દક્ષિણ ગુજરાતમાં ૧૭.૧૧, સૌરાષ્ટ્રમાં ૧૫.3૮ ટકા, પૂર્વ-મઘ્ય ગુજરાતમાં ૧૦.૮૭, ઉત્તર ગુજરાતમાં ૭.૭૯ ટકા અને કચ્છમાં ૦.૪૨ ટકા વરસાદ
૧૦ NDRF અને ૨૫ SDRFની ટીમ તૈનાત અને ૮ ટુકડી રિઝર્વ રખાઈ
રોડ-રસ્તા અને હાઈ-વે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી: રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત
અગ્ર ગુજરાત, રાજકોટ
સોરઠ પંથકમાં ત્રણ દિવસથી મેઘરાજાનું જળતાંડવ સર્જાયું છે જેમાં માંગરોળ, માળિયા હાટીના અને કેશોદ પંથકમાં જળહોનારત જેવી સ્થીતીનું નિર્માણ થયું છે. માંગરોળમાં ગઈકાલે ૧૪ કલાકમાં જ ૨૫ ઈંચ જેટલો વરસાદ પડતા ત્રણ દિવસમાં ૪૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે માળિયા હાટીનામાં ૧૯ ઈંચ, મેંદરડામાં ૧3 અને કેશોદમાં ૧3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં 1 મિમીથી લઈને 1 ઇંચ સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 6 જિલ્લામાં રેડ, 8 જિલ્લામાં ઓરેન્જ અને 6 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને પગલે 7 જુલાઇ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યનો સરેરાશ 13.27 ટકા થયો છે.
ગત 24 કલાકમાં 14 તાલુકામાં 5થી 10 ઇંચ, 85 તાલુકામાં 1થી 5 ઇંચ, 118 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ વરસ્યો છે. આજે (4 જુલાઇ) સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સરેરાશ વરસાદના 13.27% જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 17.11 ટકા નોંધાયો છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં 15.38 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 10.87 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.79 ટકા તથા કચ્છ ઝોનમાં માત્ર 0.40 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. માંગરોળમાં માત્ર 3 દિવસમાં 103% વરસાદ સાથે મેઘરાજાએ આખી સિઝનનું સાટું વાળ્યું છે.
અત્યાર સુધીમાં નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 64.11 ટકા જેટલો ભરાયો છે. જ્યારે, અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 36.09 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં 10 ડેમ 70થી 100 ટકા, 20 ડેમ 50થી 70 ટકા, 58 ડેમ 25થી 50 ટકા, 118 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જેમાં 2 ડેમ હાઇ એલર્ટ, 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 10 NDRFની ટીમ અને 25 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 NDRF અને 8 SDRFની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
માળિયા હાટીના તાલુકાનું ભાખરવડ જળાશય 90% ભરાઈ ગયું હતું અને તેનું લેવલ 73.15 મીટર તથા કૂલ જથ્થો 6.64 MCFT પર પહોંચ્યો હતો, જે ચાલુ સીઝનના પ્રથમ વરસાદે જ મેઘલ નદી પર આવેલો આ ભાખરવડ ડેમ હવે સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે. માળિયા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 29 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ જળાશય સંપૂર્ણ છલકાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારો અને ગામો જેવા કે ભાખરવડ, વડાળા, માળિયા હાટીના, જાનડી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢીયાળા અને ગડુંને હાઈ-એલર્ટ કરી દેવાયા છે. સ્થાનિક નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે.
સોમનાથ-દ્વારકા હાઇ-વે ધોવાયો
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદી પર આવેલો બ્રિજ ભારે પૂરના કારણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે.
થરાદના મલુપુર ગામે વીજળી પડતાં 3 ભેંસના મોત
વાવ-થરાદ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની જોરદાર એન્ટ્રી વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. થરાદ તાલુકાના મલુપુર ગામે આકાશી વીજળી પડતાં પશુપાલક પટેલ વિરજીભાઈ પરબતાભાઈની ત્રણ ભેંસોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ ઘટનાથી પશુપાલકને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે, જ્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પશુપાલન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માંગરોળ મામલતદારની અપીલ
માંગરોળના મામલતદાર વી. ડી. મોરીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, માંગરોળ તાલુકામાં સીઝનનો કુલ 570 મિમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જે આશરે 23 ઇંચ જેટલો થાય છે. આ ભયંકર અતિવૃષ્ટિને કારણે વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ભૂલથી પણ ન જવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢમાં પૂરની આફત, 29 જિંદગીનો બચાવ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કુલ 29 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં મેંદરડા નજીકના સમઢિયાળા ગામે રસ્તા પર પૂરના ધસમસતા પાણી ફરી વળતાં એક કાર, રિક્ષા અને વાન જેવા વાહનો અચાનક બંધ પડી ગયા હતા. જેથી વાહનોમાં સવાર બાળકો અને મહિલાઓ સહિત કુલ 19 લોકો પૂરમાં ફસાયા હતા. આ અંગે જાણ થતાં જ જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા.
કેશોદમાં NDRF અને જૂનાગઢ શહેરમાં SDRFની ટીમ તૈનાત
માણાવદર તાલુકાના બૂરી ગામે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા ઓએનજીસીના 10 કર્મચારીઓ ધસમસતા પાણીમાં ફસાયા હતા. જેથી હોમગાર્ડની સ્પેશિયલ ટીમને ઘટનાસ્થળે રવાના કરી હતી. હોમગાર્ડના જવાનોએ પૂરના પ્રવાહ વચ્ચે જીવના જોખમે દિલધડક બચાવ કામગીરી કરી તમામ 10 કર્મચારીઓને હેમખેમ બહાર કાઢી લીધા હતા. આ અતિવૃષ્ટિને કારણે માર્ગ મકાન સ્ટેટના 16 અને પંચાયતના 27 રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કેશોદમાં NDRFની 30 સભ્યોની ટીમ અને જૂનાગઢ શહેરમાં SDRFની ટીમ તૈનાત છે. પોલીસ, પંચાયત, મહેસૂલ અને ફાયર બ્રિગેડની ટીમો સતત સંપર્કમાં રહીને બચાવ કામગીરી માટે સજ્જ છે. સોશિયલ મીડિયા અને ગ્રામ્ય વોટ્સએપ ગ્રૂપ દ્વારા લોકોને સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે.


