ચૂંટણી સમયે મતદારોને ભાઇસાબ કરતાં નેતાઓ, ચૂંટાયા બાદ બદલી નાંખતા વલણો
મત મેળવ્યાં તે જ વિસ્તારથી વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર મહેશ પીપરીયા અજાણ
નગરસેવક મહેશ પીપરીયાને ખબર જ નથી કે તેમના વોર્ડમાં કયાં-કયાં વિસ્તારો આવે છે
કોર્પોરેશનના પ્લોટમાં થયેલી ગંદકીની સફાઇ માટે રજુઆત કરતાં આ પ્રશ્ન આખા રાજકોટનો હોવાનો ઉડાઉ જવાબ આપતા કોર્પોરેટર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં જનતા દ્વારા ફરીથી ભાજપને સત્તાની ડોર આપવામાં આવી છે. ફરી એકવાર ભાજપના નગરસેવકો પર પ્રજાએ ભરોસો કરીને ખોબલે ખોબલે મતથી જીતાડ્યા છે. પરંતુ આ જીત બાદ પ્રજાનો ભરોસો તૂટયો હોય તેવું કેટલાક કિસ્સામાં સામે આવી રહ્યું છે. જેમાં વોર્ડ નં.11ના રહેવાસીઓને કોર્પોરેટર મહેશ પીપરીયાનો ખરાબ અનુભવ થયો હોવાની રાવ ઉઠવા પામી છે.
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ વોર્ડ નં.11ના સ્થાનિકોના આક્ષેપ મુજબ એક કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે. હાલ આ પ્લોટમાં કચરાના ગંજ જોવા મળી રહ્યા છે અને તેના કારણે આજુબાજુના રહીશો પર બીમારીનો ખતરો જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા વોર્ડ નં.11ના કોર્પોરેટર મહેશ પીપરીયાને રજૂઆત કરવામાં આવી હતી અને કોર્પોરેશનના આ પ્લોટની સાફ-સફાઈ કરવા ધ્યાન દોરવામાં આવ્યું હતું.
સ્થાનિકો દ્વારા વોર્ડ નં.11ના કોર્પોરેટર મહેશ પીપરીયાને ફોન કરી આ પરિસ્થિતિની જાણ કરવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ કે વોર્ડના સ્થાનિકોની કરમ કઠણાઈ કહો. કોર્પોરેટરને આ વિસ્તાર ક્યાં આવેલો છે તે જ ખબર નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કોર્પોરેશનના પ્લોટમાં થયેલી ગંદકી અંગે કોર્પોરેટર મહેશ પીપરીયાને ફોન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ વિસ્તાર ક્યાં આવેલો છે તે હું જાણતો નથી તેવા ઉડાઉ જવાબો આપવામાં આવ્યા હતા. જેનાથી સ્થાનિકો વધુ રોષે ભરાયા હતા અને પોતે આપેલા મતથી ચૂંટાયેલા કોર્પોરેટર પોતાના વિસ્તારને જ નહીં જાણતા હોવાની વ્યથા સ્થાનિકોએ ઠાલવી હતી.
સ્થાનિકોએ રજૂઆત કરતા કોર્પોરેટર મહેશ પીપરીયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે આ પ્રશ્ન માત્ર એક વિસ્તારનો નથી. પરંતુ સમગ્ર શહેરનો પ્રશ્ન છે. અગાઉ પણ અનેક વખત જનરલ બોર્ડમાં આ સમસ્યા રજૂ કરવામાં આવી છે અને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી તેવા જવાબો આપ્યા હતા. આ જવાબ સાંભળીને લોકો વધારે વ્યથિત થયા હતા અને કોર્પોરેટરોનું પણ મનપામાં કંઈ ઉપજતું નહીં હોવાની ચર્ચા શરૂ થઈ હતી અને પોતાનો મત એણે ગયો નથીને તેવું પણ લોકો વિચારી રહ્યા છે. ચૂંટણી સમયે મત માંગવા માટે બે હાથ જોડી પ્રજા સમક્ષ ગળગળા થતા નગરસેવકો ચૂંટાઈ ગયા બાદ બેજવાબદાર બની જતા હોવાનું આ ઘટના પરથી ફલિત થઈ રહ્યું છે. માત્ર ચૂંટણી પૂરતો જ મતદારો સાથે નિસ્બત ધરાવતા કેટલાક આવા કોર્પોરેટરો સામે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પૂરી થતાં જ કોણ પ્રજા અને કેવી સેવા આવી ઘટના આકાર લઈ રહી છે તેવું સ્થાનિકોમાં ચર્ચા રહ્યું છે.
ફ્લેટના બેઝમેન્ટમાં મચ્છરના લારવા મળે તો આસામીઓને મનપા સીધો દંડ કરે છે
વોર્ડ નં.૧૧ના વિસ્તારવાસીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મનપા દ્વારા ફ્લેટ અને વિસ્તારોની ચકાસણી કરવામાં આવે છે ત્યારે બિલ્ડીંગોના બેઝમેન્ટમાંથી કે આજુબાજુમાંથી મચ્છરના લારવા મળે તો તરત દંડ ફટકારવામાં આવે છે અને નોટિસો આપવામાં આવે છે. પરંતુ કોર્પોરેશનના પ્લોટમાં ગંદકીના ગંજ ખડકાયા છે તેની સામે તંત્ર દ્વારા આંખ મિચામણાં કરવામાં આવે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનું નિરાકરણ આવતું નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા.
ચોમાસાની સિઝન હોવાથી પરિસ્થિતિ અતિ ભયંકર
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે કોર્પોરેશનના આ પ્લોટમાં ગંદકી અને કચરાના ગંજ ખડકાયેલા હોવાના કારણે આજુબાજુ રહેતા લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં અને કોર્પોરેટર મહેશ પીપરીયાનું ધ્યાન દોરવા છતાં પણ સાફ-સફાઈ નહીં થતાં આગામી દિવસોમાં ચોમાસાના પાણીનો ભરાવો થશે અને પાણીજન્ય રોગચાળો ફેલાશે જેનાથી લોકોના સ્વાસ્થય જોખમમાં મુકાઈ જશે તેવો પણ ગણગણાટ પણ શરૂ થયો છે.
વોર્ડ નં.11ના અન્ય કોર્પોરેટર રક્ષિત કલોલા વધુ એક્ટિવ
વોર્ડ નં.11 ના લોકોએ જણાવ્યું હતું કે અન્ય કોર્પોરેટર રક્ષિત કલોલા પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે સૌથી વધુ એક્ટિવ છે. તાજેતરમાં જ વોર્ડ નં.11માં જાહેર રસ્તા પર ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું હતું તેના કારણે ગંભીર અકસ્માત સર્જવાનો ભય હતો. આ બાબતે કોર્પોરેટર રક્ષિત કલોલાનું ધ્યાન દોરતા જ તાત્કાલિક ધોરણે મનપાની ટીમને બોલાવી તૂટેલું ઢાંકણું બદલાવી નાખવામાં આવ્યું હતું અને અન્ય કામગીરી પણ તાકીદ કરવામાં આવી હતી એક જ બોર્ડમાં આવતા કોર્પોરેટરોના અલગ અલગ વલણથી સ્થાનિકોમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે.


