- સમગ્ર મામલે ચાલી રહેલી તપાસ, કોર્ટ સુનાવણીમાં બહાર આવેલી વિગતોમાં ઘટસ્ફોટ
- એડવર્ટાઇઝિંગ પાર્ટનર નેટફ્લિક્સના પ્રભાવમાં આવીને સ્ટ્રીમિંગ બિઝનેસ બંધ કર્યો
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક અગાઉ ઘણી વખત ડેટા લીકના આરોપો બાદ ફરી ચર્ચામાં
દુનિયાભરમાં કરોડો યૂઝર્સ ધરાવતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક અગાઉ ઘણી વખત ડેટા લીકના આરોપો બાદ ફરી ચર્ચામાં છે. નેટફ્લિક્સ સાથે ફેસબૂકના બાર્ટર ડેટા એક્સચેન્જ મામલે જારી તપાસ અને કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં બહાર આવેલી વિગતોએ ફેસબૂક યૂઝર્સને ચોંકાવી દીધા છે. ફેસબૂકે યૂઝર્સના પ્રાઇવેટ મેસેજ થર્ડ-પાર્ટી ઍપ સાથે શૅર કર્યા હોવાનું કોર્ટ ડોક્યુમેન્ટ્સથી સામે આવ્યું છે.બાર્ટર ડેટા એક્સચેન્જ અંતર્ગત તેણે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સને યૂઝર્સના પ્રાઇવેટ મેસેજિસની એક્સેસ આપી. Gizmodo વેબસાઇટના રિપોર્ટ મુજબ આ ખુલાસા એવા સમયે થયા છે કે જ્યારે મેટાએ સ્ટ્રીમિંગ બિઝનેસ બંધ કરવાનું નક્કી કર્યું છે. મેટા સામેના અવિશ્વાસના મુકદ્દમામાં આરોપ લગાવાયો હતો કે તેણે સ્ટ્રીમિંગ બિઝનેસ બંધ કરવાનો નિર્ણય એડવર્ટાઇઝિંગ પાર્ટનર નેટફ્લિક્સના પ્રભાવમાં આવીને લીધો હતો. કોર્ટ ડોક્યુમેન્ટ્સ મુજબ નેટફ્લિક્સ અને ફેસબૂક વચ્ચે સારા સંબંધો હતા અને આવું એટલા માટે પણ હતું કે નેટફ્લિક્સ ફેસબૂક પર એડવર્ટાઇઝિંગ પાછળ જંગી રકમ ખર્ચી રહ્યું હતું. આ જ કારણથી તેણે ફેસબૂકને સ્ટ્રીમિંગ વીડિયો માર્કેટમાં મોટી દાવેદારી કરતા અટકાવ્યું હતું. વર્ષ 2013 અને ત્યાર બાદ થયેલા એગ્રીમેન્ટ્સ સાથે ફેસબૂકે નેટફ્લિક્સને યૂઝર્સના પ્રાઇવેટ મેસેજિસની એક્સેસ આપી હતી, જેના બદલામાં નેટફ્લિક્સે ફેસબૂકને પોતાના યૂઝર્સનો ડેટા આપ્યો હતો.
નેટફ્લિક્સે જાહેરાત ખર્ચ વધાર્યો
નેટફ્લિક્સે ફેસબૂક પર જાહેરાતો પાછળ ખર્ચ વધાર્યો હતો, જે 2019ની શરૂઆતમાં વાર્ષિક અંદાજે 150 મિલિયન ડોલર સુધી પહોંચી ગયો હતો. એવો પણ આરોપ છે કે નેટફ્લિક્સે આ સમયગાળા દરમિયાન ડેટા એનાલિટિક્સની એક્સેસ વધારવા ફેસબૂક સાથે કરાર કર્યા હતા. નોંધનીય છે કે નેટફ્લિક્સના સ્થાપક અને પૂર્વ સીઇઓ રીડ હેસ્ટિંગ્સે 2019માં ફ્ેસબુકના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. મેટાએ આરોપોના જવાબમાં જણાવ્યું કે નેટફ્લિક્સ સાથેના તેના કરારો અને સંબંધો કોમન ઇન્ડસ્ટ્રી પ્રેક્ટીસ છે. જોકે ફેસબૂક વૉચને બંધ કરવાના નિર્ણયમાં નેટફ્લિક્સ સાથેની સ્પર્ધાની ભૂમિકા હતી કે કેમ તે અંગે મેટાએ કંઇ કહેવાનું ટાળ્યું હતું. Gizmodoને આપેલા નિવેદનમાં મેટાના પ્રવક્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મુકદ્દમાના દાવા યોગ્યતા વિનાના છે.


