- એરિક ગાર્સેટી બાદ વધુ એક અમેરિકન સાંસદે કર્યા ભારતના વખાણ
- પીએમ મોદીના કાર્યકાળમાં ભારત-અમેરિકાના સંબંધો મજબૂત થયા: શરમન
- ચીનમાં ન લોકશાહી છે ન તો કાયદાકીય વ્યવસ્થા વિશ્વાસપાત્ર છે: સાંસદ
USA ના એક સિનિયર સાંસદે ભારતમાં 2014થી થયેલ આર્થિક પ્રગતિ અને વિકાસ કાર્યોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. સાથે જ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનો ચહેરો બની ગયા છે. અમેરિકન સંસદમાં ભારતના સૌથી મોટા સમર્થકોમાંના એક ગણાતા બ્રેડ શેરમેને જણાવ્યું છે કે, ભારત અને અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત થતાં જોયા છે. તેમણે ચીનનો ઉલ્લેખ કરતા એમ પણ કહ્યું કે ત્યાં ન તો લોકશાહી છે અને ન તો ત્યાંની કાયદાકીય વ્યવસ્થા પર વિશ્વાસ કરી શકાય. તેમણે એમ પણ જણાવ્યું કે રશિયા સાથે ભારતના સંરક્ષણ સંબંધો ભારત અને અમેરિકાના સંબંધો માટે એક મોટો પડકાર છે.
શરમને મંગળવારે 9 એપ્રિલના રોજ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘પીએમ મોદી ભારતનો ચહેરો બની ગયા છે અને અમે ખૂબ જ નોંધપાત્ર આર્થિક પ્રગતિ જોઈ છે. અલબત્ત, દરેક દેશને પોતાના પડકારો હોય છે, દરેક નેતાના પોતાના પડકારો હોય છે. હું કોઈ પણ દેશની સફળતાનો શ્રેય માત્ર એક નેતાને આપતો નથી. મારો મતલબ છે કે તમારી પાસે 1.3 અબજથી વધુ લોકો છે અને તેઓ બધા ભારતને વધુ સફળ દેશ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
68 વર્ષીય શરમન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ફોરેન અફેર્સ કમિટીના ડેમોક્રેટિક સભ્ય છે અને છેલ્લા 28 વર્ષથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો ઘણા મજબૂત બન્યા છે. હું આ જાણું છું કારણ કે હું અહીં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં યુએસ ઈન્ડિયા કૉકસનો પૂર્વ અધ્યક્ષ છું, જે સૌથી મોટું છે. અમે તેને તમામ દ્વિપક્ષીય કોકસમાં સૌથી મોટું બનાવ્યું છે.


