- અત્યાચારોને લઈને પાકિસ્તાની સેના ફરી આવી ચર્ચામાં
- સેનાએ પોતાના જ પોલીસ કર્મચારીઓ પર કર્યો ઘાતક હુમલો
- સ્થાનિક મીડિયાને આ ઘટના પર રિપોર્ટિંગ ન કરવા સૂચના
Pakistan News: પાકિસ્તાની સેના સતત પોતાના અત્યાચારો અને ષડયંત્રોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. કેટલાય પાકિસ્તાનીઓનું કહેવું છે કે આજે દેશમાં જે રાજનીતિક અને આર્થિક અસ્થિરતા છે તે સેનાને કારણે જ છે. એક નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની સેના દ્વારા પોતાની જ પોલીસ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોયની વાત કહેવાઈ રહી છે.
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની સેનાએ પંજાબ પ્રાંત પોલીસના એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. એક પાકિસ્તાની પત્રકાર સહિત અનેક લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર (X) પર પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી છે. જોકે, હજુ સુધી આ વિડીયોની પુષ્ટિ નથી થઈ શકી.
વિડીયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની સેના પંજાબ પોલીસના એક પોલીસ સ્ટેશન પર હુમલો કરે છે. સેના દ્વારા પોલીસ સ્ટેશનના કર્મીઓ પર ઘાતક હુમલો કરવામાં આવે છે અને પોલીસકર્મીઓને મારી-મારીને લોહીલુહાણ કરી દેવામાં આવે છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પોલીસકર્મીઓની ભૂલ એ હતી કે તેમણે સેનાના એક જવાનના ભાઈ પાસેથી ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવાની હિંમત કરી હતી. ત્યારબાદ, સેનાએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો અને જે સામે મળ્યું તેને પકડી પકડીને બરાબરના ફટકાર્યા.
પાકિસ્તાનના એક પત્રકારે ટ્વિટર (X) પર આ ઘટનાની માહિતી આપતો વિડીયો પોસ્ટ કર્યો, તો તે વિડીયો તુરંત વાયરલ થઈ ગયો. તેણે ટ્વિટ કરતાં લખ્યું કે પંજાબના ભવાલનગરમાં મદરિસા પોલીસ સ્ટેશન અને આર્મીના જવાનો વચ્ચે સંઘર્ષના ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પત્રકારે આગળ લખ્યું કે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સેનાના કમાન્ડોના ભાઈ પાસેથી ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા. બાદમાં વિવાદ થયો હતો અને પોલીસ કર્મીઓએ સેના જવાનોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.
યુઝર્સ સોશિયલ મીડિયા પર વિડીયોને લઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે કે આ સમાચાર વાયરલ થયા બાદ સ્થાનિક મીડિયાને સલાહ આપવામાં આવી છે કે આ ઘટનાનું રિપોર્ટિંગ ન કરે. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે સેના પ્રમુખ આ મામલે શું નિવેદન આપે છે.


