- NASAએ 8 એપ્રિલના સૂર્યગ્રહણ દરમિયાન કર્યા હતા રોકેટ લોન્ચ
- આ મિશનનું નેતૃત્વ ભારતીય મૂળના સંશોધક આરોહ બડજાત્યાએ કર્યું
- જાણો શું કહે છે સંશોધક આરોહ બડજાત્યાનો પરિવાર
USA News: ભારતમાં જન્મેલા આરોહ બડજાત્યાએ અમેરિકન સ્પેસ એજન્સી NASAના મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં, NASAએ પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન એક સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કર્યું હતું. આ મિશનનું નેતૃત્વ ભારતીય મૂળના સંશોધક આરોહ બડજાત્યાએ કર્યું હતું. આરોહના પરિવારનું કહેવું છે કે અમેરિકા જતા પહેલા આરોહે ભારતના અલગ-અલગ શહેરોમાં અભ્યાસ કર્યો હતો.
NASAએ પોતાના નિવેદનમાં કહી આ વાત
અમેરિકન સ્પેસ એજન્સી NASAએ 8 એપ્રિલના રોજ ઉત્તર અમેરિકામાં જોવા મળેલા સૂર્યગ્રહણ દરમિયાન ત્રણ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કર્યા, જેથી એ વાતનો અભ્યાસ કરી શકાય કે જ્યારે ગ્રહના એક ભાગ પર સૂરજનો પ્રકાશ થોડી ક્ષણો માટે ઓછો થઈ જાય છે તો પૃથ્વીના ઉપરના વાયુમંડળમાં તે કેવો પ્રભાવ પાડે છે.
NASAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મિશનનું નેતૃત્વ ફ્લોરિડામાં એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર આરોહ બડજાત્યાએ કર્યું હતું. પ્રોફેસર આરોહ આ યુનિવર્સિટીમાં સ્પેસ અને એટમોસ્ફેરિક ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબનું નિર્દેશન કરે છે.

પ્રોફેસર આરોહે સોશિયલ મીડિયા પર માન્યો આભાર
પ્રોફેસર આરોહે, LinkedIn પર એક પોસ્ટમાં, તેમના તમામ સાથી સંશોધકો અને એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આભાર માન્યો. તેણે આગળ લખ્યું, ‘છ મહિનામાં છ જટિલ રોકેટ મિશન.’
કેમિકલ એન્જિનિયર છે આરોહના પિતા
આરોહ બડજાત્યાના પિતા અશોક કુમાર બડજાત્યા વ્યવસાયે કેમિકલ એન્જિનિયર છે અને તેમના માતા રાજેશ્વરી એક કુશળ ગૃહિણી છે. આરોહે પોતાનું સ્કૂલિંગ મુંબઈ, હૈદરાબાદ, જયપુર, પિલાની, સોલાપુર નજીક પાતાળગંગામાં કર્યું હતું. બાદમાં તેમણે સોલાપુરના વાલચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં અભ્યાસ પૂર્ણ કર્યો. તેમની બહેન અપૂર્વા બડજાત્યા પણ મિકેનિકલ એન્જિનિયર છે. અપૂર્વાએ કહ્યું કે આરોહ 2001માં અમેરિકા ગયો અને તેણે ઉટાહ સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરી. આરોહે એ જ યુનિવર્સિટીમાંથી સ્પેસક્રાફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં પીએચડી પૂર્ણ કર્યું.


